ઓપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનને સૈન્ય મદદ આપીને એશિયામાં ભારતનો વધતો પ્રભાવ રોકવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી કોંગ્રેસની વાર્ષિક પેનલના અહેવાલ મુજબ ચીન ભારતની વધતી તાકાતને પોતાના માટે પડકાર માને છે. આથી તે સરહદી દબાણ સાથે આર્થિક મોરચે ઘેરાબંધી કરી રહ્યું છે. અહેવાલમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ તેમજ ગુપ્તચર સહયોગ વધારવા જણાવાયું છે.

સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન ચીનની છૂપી રણનીતિ ખુલ્લી પડી

અમેરિકી સંસદીય પેનલના વાર્ષિક અહેવાલ મુજબ મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસ સુધી ચાલેલા સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન ચીનની છૂપી રણનીતિ ખુલ્લી પડી ગઈ હતી. આ સંઘર્ષમાં ચીને સીધી રીતે યુદ્ધમાં ભાગ લીધો ન હતો, પરંતુ કટોકટીના સમયે પાકિસ્તાનને સર્વગ્રાહી મદદ આપીને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

ભારત સામે બે મોરચે યુદ્ધનું મોટું સંકટ

અહેવાલમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે ચીન અને પાકિસ્તાન વચ્ચે સતત ગાઢ બની રહેલી લશ્કરી ભાગીદારી ભવિષ્યમાં ભારત સામે બે મોરચે યુદ્ધનું મોટું સંકટ ઊભું કરી શકે છે. અગાઉ ચીને સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને અદ્યતન ટેકનિકલ સહાયતા ઉપલબ્ધ કરાવી હતી.

ચીને પાકિસ્તાનને ભારતીય સૈન્ય ગોઠવણ અંગેની રિયલ ટાઇમ માહિતી આપી

ચીની સરકારી મીડિયા સાથેની વાતચીતમાં ઇજનેર ઝાંગ હેંગે જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાની વાયુસેનાને તકનીકી સહાય આપનારી ટીમમાં સામેલ હતા. આ ચીની ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાન પાસે રહેલા જે-10સીઇ લડાકુ વિમાનોને તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ સક્ષમ બનાવવાનો હતો. ભારતીય સેનાના લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે પણ જણાવ્યું હતું કે આ સંઘર્ષ વખતે ચીને પાકિસ્તાનને ભારતીય સૈન્ય ગોઠવણ અંગેની રિયલ ટાઇમ માહિતી આપી હતી. ચીન એશિયામાં ભારતની વધતી શક્તિને પોતાના માટે મોટો પડકાર માને છે.

ભારતીય સરહદ નજીક લશ્કરી તાકાતમાં સતત વધારો

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ચીન માત્ર પાકિસ્તાનને સહાય કરવા પૂરતું સીમિત નથી, પરંતુ તે ભારતીય સરહદ નજીક પોતાની લશ્કરી તાકાતમાં સતત વધારો કરી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં ચીની સૈનિકો સાથે સતત ઘર્ષણ ચાલુ હોવાની વિગતો પણ અહેવાલમાં આપવામાં આવી છે. 

સરહદ પર તણાવ સંપૂર્ણપણે ખતમ થયો નથી

વર્ષ 2024માં ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ચાર વર્ષથી ચાલતા લશ્કરી અવરોધને ઉકેલવા સંમતિ સધાઈ હતી અને સંબંધો સુધારવા માટે પ્રયાસો શરૂ થયા હતા, તેમ છતાં સરહદ પર તણાવ સંપૂર્ણપણે ખતમ થયો નથી. પેનલના તારણ મુજબ ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી નજીક એરફિલ્ડ, રેલવે નેટવર્ક અને અન્ય પાયાની માળખાકીય સુવિધાઓ ઝડપથી વધારી રહ્યું છે. આ માળખાકીય વિકાસ પાછોનો હેતુ જરૂર પડ્યે ચીની સૈનિકો અને સૈન્ય સરંજામને અતિ ઝડપથી સરહદ સુધી પહોંચાડવાનો છે. લશ્કરી સંપર્ક સુવિધાઓ ઊભી કરીને ચીન કટોકટી વખતે સરહદ તરફ સેનાનું ઝડપી પરિવહન સુનિશ્ચિત કરવા માગે છે. આ ઉપરાંત ડ્રેગન હિંદ મહાસાગરમાં પણ પોતાની નૌકાદળની સક્રિયતા અને સતત સર્વેલન્સ વધારીને ભારતીય સુરક્ષા માટે ગંભીર પડકારો પેદા કરી રહ્યું છે.

ભારતને આર્થિક મોરચે ઘેરવા માટે પોતાની ઔદ્યોગિક તાકાતનો દુરુપયોગ 

લશ્કરી દબાણ ઉપરાંત ચીન ભારતને આર્થિક મોરચે ઘેરવા માટે પોતાની ઔદ્યોગિક તાકાતનો દુરુપયોગ કરી રહ્યું છે. તેણે અગત્યના ઔદ્યોગિક માલસામાન, નવી ટેકનોલોજી અને મશીનરીના પુરવઠાને ખોરવીને ભારતીય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર પર સીધું દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ચીને ભારતને અમુક જરૂરી સામાનની થતી નિકાસ રોકી દીધી હતી. સાથોસાથ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાથે જોડાયેલા ચીની એન્જિનિયરોને પાછા બોલાવી લીધા હતા અને જરૂરી ઉપકરણોનો સપ્લાય બંધ કરી દીધો હતો. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં દવા બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવો ચીને કૃત્રિમ રીતે ભારે ઘટાડી દીધા છે, જેથી સ્થાનિક ભારતીય કંપનીઓ માટે સ્પર્ધા ટકાવી રાખવી મુશ્કેલ બની ગઈ છે. બેટરી ટેકનોલોજીની નિકાસ પરના ચીની નિયંત્રણથી ભારતના ક્લીન એનર્જી ક્ષેત્ર પર પણ ગંભીર વિપરીત અસર પડવાની સંભાવના છે. 

દેશનો ઉદ્યોગ ચીની મશીનરી અને સ્પેરપાર્ટ્સ પર નિર્ભર છે

ભારતે પોતાની લશ્કરી શક્તિ અને સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા સાથે સંવેદનશીલ ક્ષેત્રોમાં ચીની પેઢીઓ પર મર્યાદા મૂકી છે, છતાં દેશનો ઉદ્યોગ ચીની મશીનરી અને સ્પેરપાર્ટ્સ પર નિર્ભર છે. મજબૂત સપ્લાય ચેઇન માટે ભારતને મોટા રોકાણ, આધુનિક ટેકનોલોજી અને સમયની જરૂર હોવાથી પેનલે ભારત-અમેરિકા સંરક્ષણ અને ગુપ્તચર ભાગીદારી વિસ્તૃત કરવાની ભલામણ કરી છે. અહેવાલ અનુસાર એશિયામાં ચીન સામે સંતુલન જાળવવા ભારત અત્યંત મહત્વપૂર્ણ હોવાથી ચીન ભારતની આર્થિક અને લશ્કરી પ્રગતિ રોકવા મથી રહ્યું છે. 


આ પણ વાંચો :   Sugar Prices : ખાંડના ભાવમાં ભડકો, અનેક શહેરોમાં કિલોનો ભાવ રૂ. 70 સુધી પહોંચ્યો, સરકારનાં પગલાં છતાં ગ્રાહકોને રાહત નહીં