કલ્પના કરો કે તમે સુપરમાર્કેટમાં ખરીદી કરવા જાઓ અને ત્યાંના ફ્રિજનું તાપમાન અચાનક વધી જાય. દૂધ, દહીં, શાકભાજી સહિતની ખાદ્ય વસ્તુઓ બગડવા લાગે. તમને લાગે કે ફ્રિજમાં કોઈ ટેક્નિકલ ખામી આવી છે, પરંતુ તેની પાછળ હેકર્સનો હાથ હોય તો?
યુરોપના અનેક દેશોમાં હેકર્સે સુપરમાર્કેટના ફ્રિજ અને ફ્રીઝર સિસ્ટમને નિશાન બનાવ્યાના અહેવાલો સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં ખાદ્ય સામગ્રી બગડી ગઈ હતી. હવે સવાલ એ છે કે શું ભારતમાં ઉપયોગમાં લેવાતી સ્માર્ટ કૂલિંગ સિસ્ટમ પણ આવા સાયબર હુમલાનો ભોગ બની શકે છે?
હા, યુરોપના અનેક દેશોમાંથી આવો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હેકર્સે સુપરમાર્કેટના ફ્રિજ અને ફ્રીઝર સિસ્ટમને નિશાન બનાવ્યાં છે. આ ઘટના બાદ હવે સવાલ ઊભો થયો છે કે શું ભારતના સ્માર્ટ ફ્રિજ અને કૂલિંગ સિસ્ટમ પણ આવા સાયબર હુમલાથી સુરક્ષિત છે? આવો જાણીએ સમગ્ર મામલો.
યુરોપના અનેક દેશોમાં ફ્રિજ હેક થયાં
અહેવાલ મુજબ, સ્વીડન, બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને આયર્લેન્ડ સહિત યુરોપના અનેક દેશોમાં સુપરમાર્કેટની કૂલિંગ સિસ્ટમ પર સાયબર હુમલો થયો છે. આ હુમલા દરમિયાન હેકર્સે ફ્રિજ અને ફ્રીઝરની સેટિંગ્સ સાથે ચેડાં કર્યા હતા. કેટલીક જગ્યાએ ફ્રીઝરનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
આના કારણે ફ્રિજમાં રાખેલું દૂધ, માંસ અને અન્ય ખાદ્ય સામગ્રી બગડી ગઈ હતી. અનેક સુપરમાર્કેટને પોતાનો સામાન ફેંકી દેવો પડ્યો હતો. સ્વીડનની ICA અને Coop જેવી સુપરમાર્કેટ ચેઇનનાં સ્ટોર પણ આ ઘટનાની ઝપેટમાં આવ્યાં હતાં. જ્યારે બેલ્જિયમમાં Carrefour અને IKEAના કેટલાક સ્ટોરમાં પણ આવી સમસ્યા સામે આવી હતી.
આખરે હેકર્સે ફ્રિજ કેવી રીતે હેક કર્યા?
હવે તમારા મનમાં સવાલ થતો હશે કે કોઈ ફ્રિજને હેક કેવી રીતે કરી શકે? હકીકતમાં આજકાલ મોટા સુપરમાર્કેટમાં સ્માર્ટ કૂલિંગ સિસ્ટમ લગાવવામાં આવે છે, જેને ઇન્ટરનેટની મદદથી કંટ્રોલ કરી શકાય છે.
આ સિસ્ટમની મદદથી સ્ટોરમાં હાજર રહ્યા વગર પણ ફ્રિજનું તાપમાન બદલી શકાય છે. ટેક્નિશિયન દૂર બેઠા બેઠા જ સિસ્ટમની તપાસ કરી શકે છે અને તેની સેટિંગ્સમાં ફેરફાર કરી શકે છે. પરંતુ આ જ સુવિધા હવે સાયબર સુરક્ષા માટે જોખમ બની રહી છે.
જો કોઈ હેકરને આ સિસ્ટમનું એક્સેસ મળી જાય, તો તે ફ્રિજનું તાપમાન બદલી શકે છે, કૂલિંગ બંધ કરી શકે છે અથવા ડિફ્રોસ્ટ મોડ ચાલુ કરી શકે છે. જૂના સોફ્ટવેર અને નબળી સુરક્ષા ધરાવતી સિસ્ટમમાં આવા સાયબર હુમલાનું જોખમ વધુ રહે છે.
શું ભારતમાં પણ થઈ શકે છે આવો સાયબર હુમલો?
હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતનાં સુપરમાર્કેટ પણ આવા સાયબર હુમલાનો ભોગ બની શકે છે? હાલ ભારતમાં આ પ્રકારના કોઈ સાયબર હુમલાની ઘટના સામે આવી નથી. જોકે, દેશમાં પણ મોટા સ્ટોર અને રિટેલ ચેઇન સ્માર્ટ કૂલિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.
આવી સ્થિતિમાં જો આ સિસ્ટમની સુરક્ષા નબળી હોય, તો હેકર્સ તેના માટે જોખમ ઊભું કરી શકે છે. આવા હુમલાથી બચવા માટે કંપનીઓએ સિસ્ટમનું સોફ્ટવેર નિયમિત અપડેટ રાખવું જોઈએ, મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો જોઈએ અને રિમોટ એક્સેસને સુરક્ષિત બનાવવું જોઈએ.
એટલે કે હવે સાયબર સુરક્ષાનો ખતરો માત્ર મોબાઇલ અને કમ્પ્યુટર પૂરતો મર્યાદિત રહ્યો નથી. સુપરમાર્કેટનાં ફ્રિજ અને ફ્રીઝર પણ હેકર્સના નિશાન બની શકે છે. જોકે, ભારતમાં હાલમાં આવા કોઈ હુમલાનો કિસ્સો નોંધાયો નથી.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d