આંતરરાષ્ટ્રીય જળસીમામાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓમાનના દરિયાકાંઠે ભારતનું એક માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) ડ્રોન હુમલાનો શિકાર બન્યું છે. આ હુમલો એટલો ભીષણ હતો કે, જહાજમાં આગ લાગ્યા બાદ તે સંપૂર્ણપણે સમુદ્રમાં ડૂબી ગયું છે.
ગુજરાતના 14 ખલાસીઓનો બચાવ
આ જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. જહાજ સોમાલિયાના બરબરાથી શારજાહ જઈ રહ્યું હતું, ત્યારે 13 મેની વહેલી સવારે તેના પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર સવાર તમામ 14 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, અને હાલ તેઓને દીબા બંદરે રાખવામાં આવ્યા છે.
