કોંગો અને યુગાન્ડામાં 900થી વધુ શંકાસ્પદ કેસ અને 200થી વધુ મૃત્યુ નોંધાયા છે.

ભારત સહિત વિશ્વભરમાં લેવાયા પગલાં

WHOએ તેને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારત સહિત ઘણા દેશોએ એરપોર્ટ સ્ક્રીનીંગ અને શંકાસ્પદોને અલગ રાખવા જેવા પ્રોટોકોલ લાગુ કર્યા છે. આફ્રિકામાં ઇબોલા વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર, અત્યાર સુધીમાં 900થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં 223 લોકોના મૃત્યુની આશંકા છે. સૌથી વધુ કેસ કોંગોમાં નોંધાયા છે. જ્યાં 112 લોકો ચેપગ્રસ્ત થયા છે અને 11ના મોત થયા છે. ચેપ પડોશી યુગાન્ડામાં પણ ફેલાઈ રહ્યો છે. જ્યાં આઠ કેસ અને એક મૃત્યુની પુષ્ટિ થઈ છે.

ક્યાંથી ઉદ્ભવ્યો ચેપ ?

આ ચેપ સૌપ્રથમ મે 2026માં કોંગોના ઇટુરી પ્રાંતમાં દેખાયો હતો. આ વિસ્તાર લાંબા સમયથી હિંસા અને સંઘર્ષથી પ્રભાવિત છે. તે મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો અને સોનાની ખાણકામ કરનારાઓનું ઘર છે. WHO કહે છે કે, લોકોની સતત હિલચાલ વાયરસના ઝડપી ફેલાવામાં ફાળો આપી રહી છે. ચેપ હવે ઉત્તર કિવુ અને દક્ષિણ કિવુ પ્રાંતોમાં પહોંચ્યો છે. દક્ષિણ કિવુના કેટલાક ભાગો M23 બળવાખોર જૂથના નિયંત્રણ હેઠળ છે.

ભારતમાં કયા પગલાં લેવાયા ?

ભારતે કોંગો અને યુગાન્ડાથી આવતી ફ્લાઇટ્સ માટે કોવિડ જેવા પ્રોટોકોલ લાગુ કર્યા છે. જેમાં એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનીંગ અને વિમાનમાં શંકાસ્પદ મુસાફરોને અલગ રાખવાનો સમાવેશ થાય છે. મુસાફરોએ તેમના સ્વાસ્થ્યની સ્વ-ઘોષણા કરવાની જરૂર પડશે. ભારત સરકારે 24 મેના રોજ એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં નાગરિકોને આગામી સૂચના સુધી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી હતી. કેરળ સરકારે અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે 21 દિવસની ક્વોરેન્ટાઇન ફરજિયાત કરી છે.

પરિસ્થિતિ ગંભીર થતા ચિંતા વધી

17 મે 2026ના રોજ WHOએ કોંગોમાં ફેલાતા ઇબોલાના બુન્ડીબુગ્યો સ્ટ્રેનને આંતરરાષ્ટ્રીય આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. WHO અનુસાર, ચેપ સરહદ પાર ફેલાવાનું જોખમ ઉભું કરે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂર છે. આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલે નવ દેશોને ઉચ્ચ જોખમ શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે: અંગોલા, બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ઇથોપિયા, કેન્યા, રવાન્ડા, દક્ષિણ સુદાન, તાંઝાનિયા અને ઝામ્બિયા, જ્યાં વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે.

આ પણ વાંચોઃ ઉનાળાની ગરમી માટે કયું છે સૌથી શ્રેષ્ઠ?, જાણો બન્ને વચ્ચેનો ભેદ