અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે હિન્દ મહાસાગરમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ભારતની ભૂમિકા જરૂરી છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલયમાં અંડર સેક્રેટરી એલબ્રિજ કોલ્બીએ નવી દિલ્હીના અનંતા સેન્ટરમાં પોતાના સંબોધનમાં ભારત-અમેરિકાની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ વિશે વાત કરી. અનંતા સેન્ટર નવી દિલ્હીના ચાણક્યપુરીમાં સ્થિત એક સ્વતંત્ર, નો-પ્રોફિટ સંસ્થા છે, જે પબ્લિક પોલિસી, ફોરેન પોલિસી અને જિયો પોલિટિક્સ પર કામ કરે છે.

ભારતની ભૂમિકા મહત્વની

એલબ્રિજ કોલ્બીએ કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે એશિયામાં શક્તિ સંતુલન બનેલું રહે અને કોઈ એક દેશ સમગ્ર હિંદ મહાસાગર ક્ષેત્ર પર પ્રભૂત્વ ન જમાવે. તેમનો ઈશારો ચીન તરફ હતો. કોલ્બીએ કહ્યું કે અમેરિકા માને છે કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સંતુલન રાખવા માટે ભારતની ભૂમિકા મહત્વની છે. એક મજબૂત અને આત્મવિશ્વાસી ભારત ના માત્ર ભારતીયો માટે પણ અમેરિકનો માટે પણ ફાયદાકારક છે. એલબ્રિજ કોલ્બીએ સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા દરેક મુદ્દાઓ પર સહમત નહીં થાય પણ તેનાથી ભાગીદારી પ્રભાવિત ના થવી જોઈએ. તેમને કહ્યું કે બંને દેશોના ઐતિહાસિક અનુભવ અને વ્યુહાત્મક વિચાર અલગ છે પણ સહયોગ મજબૂત થઈ શકે છે.

ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મજબૂત કરવાના પ્રયત્નોનું સમર્થન

તેમને વધુમાં કહ્યું કે અમેરિકા ભારતની સાથે મળીને લોન્ગ-રેન્જ પ્રિસિજન સ્ટ્રાઈક, મેરીટાઈમ સર્વિલાન્સ, એન્ટી-સબમરીન વોરફેર અને એડવાન્સ ટેક્નોલોજી જેવા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે પ્રતિબદ્ધ છે. સાથે જ તેમને ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મજબૂત કરવાના પ્રયત્નોનું સમર્થન કર્યું. કોલ્બીએ કહ્યું કે ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતાથી સંપ્રભુતા અને વ્યુહાત્મક ક્ષમતા બંને વધે છે.  

આ પણ વાંચો : Crude Oil Products: ક્રૂડ ઓઇલ કઇ-કઇ વસ્તુઓ માટે છે ઉપયોગી? જાણો