ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર બહુ જલ્દી ઐતિહાસિક જાહેરાત થઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા પુષ્ટિ કરી છે કે બંને દેશો કરાર સુધી પહોંચવાની ખૂબ નજીક છે. વાશિંગ્ટનના ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે કરાર પર પહોંચવા માટે ખૂબ જ નજીક છીએ, પરંતુ આ કરાર અગાઉના પરંપરાગત વેપાર કરારો કરતાં સંપૂર્ણપણે અલગ પ્રકારનો હશે."
માર્કો રુબિયોની ભારત મુલાકાત અને મહત્વપૂર્ણ વાટાઘાટો
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ભારતની મુલાકાતે છે. રુબિયોએ ભારત પ્રવાસ દરમિયાન વેપાર, ઉર્જા, ટેકનોલોજી, સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને પક્ષો વચ્ચે હવે માત્ર થોડા જ મુદ્દાઓ ઉકેલવાના બાકી છે અને ટૂંક સમયમાં આ કરાર આખરી સ્વરૂપ ધારણ કરશે.
ઉચ્ચ સ્તરીય બેઠકો અને ટેરિફ મુદ્દાઓ
આ અગાઉ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે યુએસ વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીર સાથે મિલવૌકી અને વોશિંગ્ટનમાં મુલાકાત કરીને કરારની વિગતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે પણ નવી દિલ્હીમાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમ ખાતે સંકેત આપ્યા હતા કે મુખ્ય વિવાદિત મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે અને બંને દેશો કરાર લાગુ કરવા માટે ઉત્સુક છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ વાટાઘાટો અંગે સકારાત્મક આશાવાદ વ્યક્ત કર્યો છે.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને મોટી રાહત
વેપાર કરારની આ સકારાત્મક વાતાવરણ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતને મોટી આર્થિક રાહત પણ આપી છે. ટ્રમ્પે ગ્રેહામ એક્ટ હેઠળ રશિયન નિકાસ પર લાગુ કરવામાં આવેલા કેટલાક કડક પ્રતિબંધો અને ટેરિફમાંથી ભારતને મુક્તિ આપતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે યુએસ કોંગ્રેસને આપેલી જાણકારીમાં સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન સ્થિતિમાં ભારતને આવી મુક્તિ આપવી એ અમેરિકાના રાષ્ટ્રીય હિતમાં છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના વેપારી સંબંધો વધુ ગાઢ બનશે.
આ પણ વાંચોઃ Italy: સગીર હિંસા કરશે તો માતા પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ, મેલોનીનો કડક નિર્ણય