2જી ઓક્ટોબર નજીક આવી રહી છે. ગાંધી જયંતી પહેલા જ લંડનમાં ગાંધીજીની પ્રતિમા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ટૈવિસ્ટોક સ્કવેર પર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત છે. આ મૂર્તિ ના ચબૂતરા પર ભડકાઉ જનક ભીંતચિત્રો જોવા મળ્યા. આ મામલો સામે આવતા ભારતીય મુખ્યાલય દ્વારા નિંદા કરવામાં આવી છે.
લંડનમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન
આ પ્રતિમામાં રાષ્ટ્રપિતાને ધ્યાનસ્થ મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે. ભારતીય મિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક અધિકારીઓને આ ઘટનાની જાણ કરવામાં આવી છે, જ્યારે હાઇ કમિશનના અધિકારીઓ સ્મારકનું સમારકામ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા છે. લંડનમાં ભારતીય હાઇ કમિશને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે લંડનમાં ભારતીય હાઇ કમિશન ટેવિસ્ટોક સ્ક્વેર પર મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડથી ખૂબ જ દુઃખી છે, અને ભારત તેની સખત નિંદા કરે છે.
મહાત્મા ગાંધીના વારસા પર હિંસક હુમલો
મિશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ફક્ત તોડફોડની ઘટના નથી પરંતુ અહિંસાના વિચાર અને મહાત્મા ગાંધીના વારસા પર હિંસક હુમલો છે, જે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના ત્રણ દિવસ પહેલા બની છે. અમે તાત્કાલિક કાર્યવાહી માટે સ્થાનિક અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો છે, અને અમારી ટીમ પહેલાથી જ ઘટનાસ્થળે છે અને પ્રતિમાનું સમારકામ કરવા માટે અધિકારીઓ સાથે સંકલન કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ ગાંધી જયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે નિયુક્ત કરી છે અને દર વર્ષે 2 ઓક્ટોબરે, લંડનમાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે અને ગાંધીજીના પ્રિય ભજનો ગવાય છે.
ગાંધીજીની કાંસ્યની પ્રતિમા
ઇન્ડિયા લીગના સહયોગથી બનાવવામાં આવેલી આ કાંસ્ય પ્રતિમાનું અનાવરણ 1968માં કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાના વિદ્યાર્થી તરીકે મહાત્મા ગાંધીના દિવસોની યાદ અપાવે છે. પેડેસ્ટલ પરના શિલાલેખમાં લખ્યું છે મહાત્મા ગાંધી, 1869-1948 મેટ્રોપોલિટન પોલીસ અને સ્થાનિક કેમડેન કાઉન્સિલના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.










