માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સોમવારે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે તેમની સરકારે ભારત પાસેથી અગાઉની સરકારોએ લીધેલી લોનનો બીજો હપતો સફળતાપૂર્વક ચૂકવી દીધો છે. તેમણે જણાવ્યું કે માલદીવ સરકારે 50 મિલિયન ડોલર (લગભગ 425 કરોડ રૂપિયા)ના ટ્રેઝરી બિલની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે.
2024માં પણ હપતો ચૂકવ્યો હતો
રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું કે આ ચુકવણી દ્વારા માલદીવે ભારત પ્રત્યેની પોતાની નાણાકીય જવાબદારી નિભાવી છે. અગાઉ જાન્યુઆરી 2024માં પણ માલદીવ્સ સરકારે 50 મિલિયન ડોલરનું એક ટ્રેઝરી બિલ ચૂકવી દીધું હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં વધુ 50 મિલિયન ડોલરનું એક ટ્રેઝરી બિલ બાકી છે, જેની ચુકવણી બાકી છે.
2019માં ભારત પાસેથી આર્થિક મદદ લેવામાં આવી હતી
તેમણે જણાવ્યું કે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની સરકાર દ્વારા વધતા બજેટ ઘાટા અને આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા ભારત પાસેથી આર્થિક મદદ લેવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન ભારતીય સ્ટેટ બેંકે માલદીવ સરકાર દ્વારા જારી કરાયેલા ટ્રેઝરી બિલ ખરીદ્યા હતા.
મુઈઝુ સરકાર દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે
મુઈઝુએ અગાઉની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અગાઉ આ બિલોની ચુકવણીને બદલે દર વર્ષે તેને “રોલ ઓવર” કરવામાં આવતી હતી, એટલે કે જૂની લોનને આગળ ધપાવવામાં આવતી હતી. પરંતુ તેમની સરકાર હવે આ બાકી લોન ચૂકવી રહી છે, જેના કારણે લગભગ 150 મિલિયન ડોલર (લગભગ 1275 કરોડ રૂપિયા)ના દેવામાંથી રાહત મળશે. ભારત વર્ષોથી માલદીવ્સને આર્થિક સહાય આપતું આવ્યું છે અને મુશ્કેલ સમયમાં ટ્રેઝરી બિલની મુદત વધારીને પણ મદદ કરી છે. હાલની સરકાર હવે વિદેશી દેવું ઘટાડીને દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે.
આ પણ વાંચો : Iran US Israel War 2026: વૈશ્વિક ઉર્જા સંકટને ખત્મ કરવા વિવિધ દેશે લીધા કડક નિર્ણયો, જાણો