અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પંજાબના કપુરથલા જિલ્લાના 28 વર્ષીય ગુરદીપ સિંહની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ગુરદીપ ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરીનું કામ કરતો હતો અને ઘટનાના સમયે પણ પિઝા પહોંચાડવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન એક અજાણ્યા હથિયારધારીએ તેના પર ગોળીબાર કર્યો હતો.
13 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો યુવક
પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, ગુરદીપ આશરે 13 વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. વિદેશ જવા માટે તેણે ભારે દેવું લીધું હતું. પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા અને સારું ભવિષ્ય બનાવવાના હેતુથી તે અમેરિકા ગયો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, ત્યાં પહોંચ્યા બાદ પણ તેણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને દિવસ-રાત મહેનત કરી. મળતી માહિતી મુજબ, ન્યૂયોર્કના ઈસ્ટ ન્યૂયોર્ક વિસ્તારમાં સ્ટેનલી એવન્યુ નજીક શુક્રવારે રાત્રે આશરે 10 વાગ્યે ઘટના બની હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગુરદીપના છાતીમાં ગોળી વાગેલી હતી. ઈમરજન્સી મેડિકલ ટીમે તેને હોસ્પિટલ પહોંચાડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો.
