નીતા અંબાણીને વૈશ્વિક સ્તરે વધુ એક મોટું સન્માન મળ્યું છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટામ્પા શહેરમાં આયોજિત એક ભવ્ય સમારંભમાં તેમને 'અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશિયન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન' દ્વારા પ્રતિષ્ઠિત 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. નીતા અંબાણીને આ પુરસ્કાર ભારત અને વૈશ્વિક સ્તરે આરોગ્યસંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રમતગમતનો પ્રસાર, કલા-સંસ્કૃતિની જાળવણી અને વ્યાપક સમુદાય વિકાસ ક્ષેત્રે તેમના દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને નિરંતર યોગદાન બદલ આપવામાં આવ્યો છે.
અમેરિકાનું પ્રતિષ્ઠિત નાગરિક સન્માન એનાયત કરાયું
આ જ ગૌરવશાળી સમારંભ દરમિયાન નીતા અંબાણીને અમેરિકાના સૌથી સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત નાગરિક સન્માનોમાંનું એક એવું વિશેષ બહુમાન પણ પ્રાપ્ત થયું હતું. ટામ્પા શહેરના મેયર જેન કેસ્ટર દ્વારા નીતા અંબાણીને પ્રતીકાત્મક રીતે 'ટામ્પા શહેરની ચાવી' (Key to the City) અર્પણ કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સન્માન વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ વધારે છે અને દર્શાવે છે કે સામાજિક કલ્યાણ અને માનવતાવાદી કાર્યો માટેનું તેમનું વિઝન ભૌગોલિક સીમાઓ વટાવીને વિશ્વભરમાં સરાહના મેળવી રહ્યું છે.
