દેશમાં ઈંધણ સંકટની ચર્ચાઓ વચ્ચે ભારતને તેના મિત્ર દેશ રશિયાની તરફથી મજબૂત આશ્વાસન મળ્યું છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું છે કે ઊર્જા પુરવઠા સંબંધિત તમામ સમજૂતીઓ દરેક પરિસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવશે અને ભારતના હિતોને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.
બંને દેશોની મિત્રતા ખાસ પ્રકારની
દિલ્હી મુલાકાત દરમિયાન લાવરોવે ભારત-રશિયા સંબંધોને અત્યંત મજબૂત ગણાવ્યા અને કહ્યું કે બંને દેશોની મિત્રતા ખાસ પ્રકારની છે. તેમના જણાવ્યા મુજબ, એવી કોઈ પરિસ્થિતિ નથી જેમાં બંને દેશોના માર્ગ અલગ થઈ શકે. તેમણે ઉમેર્યું કે રશિયા ભારત પ્રત્યેની પોતાની ઊર્જા પુરવઠાની જવાબદારીઓ હંમેશા નિભાવે છે. રશિયન વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઈડ્રોકાર્બનનો સતત પુરવઠો આપે છે અને ભવિષ્યમાં આ સહયોગ વધુ મજબૂત બનશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું ખાતરી આપી શકું છું કે રશિયાથી થતી સપ્લાયમાં ભારતના હિતોને કોઈ નુકસાન નહીં થાય.”
તેમણે તમિલનાડુમાં રશિયાની ટેક્નિકલ મદદથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઊર્જા પ્લાન્ટને બંને દેશોના સહકારનું મહત્વપૂર્ણ ઉદાહરણ ગણાવ્યું. લાવરોવે કહ્યું કે આ પ્રોજેક્ટ ભારતની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો પૂરો કરે છે અને તેની નવી યુનિટ્સના નિર્માણ પર કામ ચાલુ છે. ફેબ્રુઆરી 2016થી તેની પ્રથમ યુનિટ 1000 મેગાવોટ ક્ષમતા પર સતત કાર્યરત છે અને 2027 સુધીમાં સંપૂર્ણ ક્ષમતાથી કાર્ય શરૂ થવાની શક્યતા છે.
ભારત-રશિયા સંબંધો માત્ર રાજકીય નારા નહીં, પરંતુ સંસ્કૃતિનો ભાગ
લાવરોવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રશંસા કરી અને તેમને દુનિયાના સૌથી ઊર્જાવાન નેતાઓમાંના એક ગણાવ્યા. તેમણે કહ્યું કે મોદી ભારતની અર્થવ્યવસ્થા, રક્ષા, સંસ્કૃતિ અને સાવરણીક ઓળખને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભારત-રશિયા સંબંધો માત્ર રાજકીય નારા નહીં, પરંતુ સંસ્કૃતિનો ભાગ બની ગયા છે. ભારતીય સિનેમા અને રાજ કપૂર જેવી પરંપરાઓ રશિયામાં ખૂબ લોકપ્રિય છે. બંને દેશો વચ્ચેનો વિશ્વાસ એટલો ઊંડો છે કે સંબંધો તૂટવાની કલ્પના પણ શક્ય નથી.
ભારત પ્રવાસ દરમિયાન લાવરોવ પોતાના ભારતીય સમકક્ષ એસ. જયશંકર સાથે મુલાકાત કરશે અને BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે, જેમાં મધ્યપૂર્વની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ પણ વાંચો : Pakistan સાથેના તણાવ વચ્ચે Talibanની ભારત સાથે વધી નિકટતા, જાણો વ્યવસ્યા ક્ષેત્રે શુ કરાયા કરાર?