રશિયાની રાજધાની મોસ્કોમાં ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અને નોઈડા સ્થિત કંપનીના પ્રોજેક્ટ પર કાર્યરત ભારતીય એન્જિનિયર ચંદન ગુપ્તાની મોસ્કો પોલીસે અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ તેમની પત્ની સ્નેહા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. સ્નેહાનો આરોપ છે કે, તેના પતિને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
રશિયન સેનામાં જબરદસ્તી ભરતીનો પત્નીનો ગંભીર આરોપ
પોતાના 10 વર્ષના બાળક સાથે મોસ્કોમાં હાજર સ્નેહા ગુપ્તાએ વીડિયો મેસેજમાં એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રશિયામાં વિદેશી નાગરિકોને જબરદસ્તી રશિયન સેનામાં સામેલ કરવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. સેનામાં જવાનોની અછત હોવાને કારણે લોકોને ષડયંત્ર હેઠળ ફસાવીને લઈ જવામાં આવે છે. સ્નેહાએ આશંકા વ્યક્ત કરી છે કે, તેમના પતિને પણ જબરદસ્તી સેનામાં મોકલી દેવામાં આવી શકે છે. સ્થાનિક ભાષા ન જાણવાને કારણે તેઓ પરિવાર સાથે ત્યાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઘટના પાછળનું સાચું કારણ અને વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
સરકારી સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદન ગુપ્તા 'Flex Films Rus LLC' માં ફરજ બજાવે છે. 5 સપ્ટેમ્બપના રોજ રાત્રે આશરે 11:30 વાગ્યે તેઓ તેમના મિત્ર આશિષ સાથે મોસ્કોના રેડ સ્ક્વેર વિસ્તારમાં હાજર હતા. વિદેશ મંત્રાલયના સૂત્રો મુજબ, ચંદન ગુપ્તા નશાની હાલતમાં હતા અને તેમણે ત્યાં પાર્ક કરેલી એક એમ્બ્યુલન્સના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના બાદ મોસ્કો પોલીસે તેમની ધરપકડ કરી હતી અને હાલમાં બંનેને બૌમાનશ્કાયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.
https://twitter.com/gaurav5pandey/status/2096877736682000394
ભારતીય અને રશિયન દૂતાવાસ દ્વારા કાનૂની કાર્યવાહી
આ મામલો સામે આવ્યા બાદ મોસ્કો સ્થિત ભારતીય દૂતાવાસે રશિયન સત્તાવાળાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો છે. ભારતીય દૂતાવાસે બંને ભારતીય નાગરિકોની વહેલી તકે મુક્તિ માટે વિનંતી કરી છે અને 'કોન્સ્યુલર એક્સેસ'ની માગ કરી છે, જેથી કાનૂની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. બીજી તરફ ભારત સ્થિત રશિયન દૂતાવાસે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, તેઓ સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે, અને નિયમાનુસાર તપાસ ચાલી રહી છે. દૂતાવાસે ચંદનના પરિવારને તમામ શક્ય મદદની ખાતરી આપી છે.
આ પણ વાંચો: Viral Video: પાકિસ્તાનમાં વૃંદાવન...! કરાચીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, ભીડ જોઇ ચોંકી જશો