વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવો એ ઘણા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે, પરંતુ ઊંચી ટ્યુશન ફી અને અન્ય ખર્ચ ઘણીવાર આ સ્વપ્નને અધૂરું રાખે છે. આવા પ્રતિભાશાળી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણની તક પૂરી પાડવા માટે ભારત સરકાર 'નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ' (NOS) યોજના ચલાવે છે. આ યોજના હેઠળ સરકાર માસ્ટર્સ અને પીએચડી ડિગ્રી માટે સંપૂર્ણ નાણાકીય સહાય આપે છે.


યોજનાનો ઉદ્દેશ્ય અને પાત્રતા

આ સ્કોલરશીપ ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), ડીએનટી (DNT), ભૂમિહીન કૃષિ મજૂરો અને પરંપરાગત કારીગર પરિવારોના વિદ્યાર્થીઓ માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો, એસસી, ડીએનટી અને ભૂમિહીન મજૂરો માટે વાર્ષિક કૌટુંબિક આવક ૮ લાખ રૂપિયા સુધીની, જ્યારે એસટી વિદ્યાર્થીઓ માટે 6 લાખ રૂપિયા સુધીની નિર્ધારિત કરવામાં આવી છે. આ શરતો સાથે, વિદ્યાર્થી પાસે વિદેશી યુનિવર્સિટીમાંથી માસ્ટર કે પીએચડી પ્રોગ્રામમાં 'બિનશરતી પ્રવેશ' (Unconditional Offer) હોવો અનિવાર્ય છે.

નાણાકીય સહાયનું વ્યાપક કવરેજ

સરકારની આ યોજના માત્ર ટ્યુશન ફી જ નહીં, પરંતુ વિદ્યાર્થીના સમગ્ર પ્રવાસ અને વસવાટનો ખર્ચ પણ ઉઠાવે છે. તેમાં યુનિવર્સિટીની ટ્યુશન ફી, રહેવા અને જમવા માટેનું વાર્ષિક ભથ્થું, મેડિકલ ઇન્સ્યોરન્સ, વિઝા ફી અને ભારતથી વિદેશ જવા-આવવા માટે ઇકોનોમી ક્લાસની હવાઈ મુસાફરીનો સમાવેશ થાય છે. આ આર્થિક સુરક્ષાને કારણે વિદ્યાર્થીઓ કોઈ પણ ચિંતા વગર માત્ર પોતાના અભ્યાસ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

અરજી કેવી રીતે કરવી?

અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન છે. એસસી, ડીએનટી અને ભૂમિહીન કૃષિ મજૂર વર્ગના વિદ્યાર્થીઓ 'સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય'ના રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. એ જ રીતે, એસટી શ્રેણીના વિદ્યાર્થીઓ 'આદિજાતિ બાબતોના મંત્રાલય'ની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન ફોર્મ ભરે.

આ યોજના માત્ર આર્થિક મદદ જ નથી, પરંતુ સામાજિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક સ્તરે સફળતા મેળવવાની એક સુવર્ણ તક છે. જે વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા સાબિત કરવા ઈચ્છે છે, તેમના માટે NOS યોજના ખરેખર કારકિર્દી બદલી નાખનારી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ RBI: લોન ધારકો માટે રાહતના સમાચાર, રેપો રેટ 5.25% યથાવત રાખ્યો


  • Follow us on: