Franceની રાજધાની પેરિસમાં વિશ્વવિખ્યાત એફિલ ટાવરની નજીક ભારતીય સંસ્કૃતિ, સંગીત, કલા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘ફેસ્ટિવલ ઓફ કલ્ચર’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તો, મુલાકાતીઓ અને વિવિધ દેશોના સહભાગીઓ જોડાયા હતા.
5,000થી વધુ સહભાગીઓ, 1,500 કલાકારો જોડાયા
એકોલ મિલિટેરથી શરૂ થયેલી નગરયાત્રા પ્લાસ દ લા કોન્કોર્ડ સુધી યોજાઈ હતી. તેમાં 40થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશરે 5,000 સહભાગીઓ અને 1,500થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. સંગીત, નૃત્ય અને ભક્તિસભર પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

રથોએ દર્શાવ્યો ભારતનો સાંસ્કૃતિક વારસો
નગરયાત્રામાં 14 સુંદર રીતે સુશોભિત રથો મુખ્ય આકર્ષણ બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ નૃત્યકારો સાથે હિન્દુ દેવી-દેવતાઓની શણગારેલી મૂર્તિઓને પણ રથોમાં લઈ જવામાં આવી હતી. આ રથો દ્વારા ભારતની વિવિધ કલાત્મક અને આધ્યાત્મિક પરંપરાઓ રજૂ કરવામાં આવી હતી.
મોર, હાથી અને હિમાલયની કલાત્મક ઝાંખી
રથોની સજાવટમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળી હતી. મોર, હાથી, હિમાલય અને પરંપરાગત પુષ્પાકૃતિઓ સહિત વિવિધ ભારતીય પ્રતીકોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઝાંખીઓએ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વૈભવને દર્શાવ્યો હતો.

શાંતિ અને સૌહાર્દનો અપાયો સંદેશ
નગરયાત્રામાં સૌહાર્દ, શાંતિ, સેવા અને માનવ મૂલ્યો જેવા સાર્વત્રિક સંદેશાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. વિવિધ રથો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ ધર્મના શાશ્વત સિદ્ધાંતોને જીવંત કરવામાં આવ્યા હતા. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ 2026 દરમિયાન યોજાયેલી આ નગરયાત્રાએ બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સાંસ્કૃતિક સંબંધોની પણ ઉજવણી કરી હતી.
BAPSની પાંચ દાયકાની સેવા યાત્રા
આ પ્રસંગે ફ્રાન્સમાં BAPSની પાંચ દાયકાથી વધુ સમયની ઉપસ્થિતિ અને સેવા યાત્રાને પણ ઉજાગર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવાકીય પ્રવૃત્તિઓના પ્રસાર માટે કરવામાં આવતી કામગીરીને આ કાર્યક્રમમાં વિશેષ સ્થાન મળ્યું હતું.

પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે નગરયાત્રાનું સમાપન
એકોલ મિલિટેરથી શરૂ થયેલી ભવ્ય નગરયાત્રા પેરિસના માર્ગો પરથી પસાર થઈને પ્લાસ દ લા કોન્કોર્ડ ખાતે પૂર્ણ થઈ હતી. અંતિમ તબક્કામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો હતો.

મહંત સ્વામી મહારાજના દર્શનથી ભક્તોમાં આનંદ
નગરયાત્રામાં ઉપસ્થિત હજારો ભક્તોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ લીધો હતો. ભક્તોએ આ સમગ્ર પ્રસંગને યાદગાર ગણાવ્યો હતો. એફિલ ટાવરની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી આ ભવ્ય નગરયાત્રાએ પેરિસમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના વૈશ્વિક પ્રભાવની સુંદર ઝલક રજૂ કરી હતી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત
