ભારતીય વાયુસેના (IAF) એ વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ‘વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ’ (WDMMA) દ્વારા જાહેર કરવામાં આવેલા 2026 ના ગ્લોબલ એર પાવર રેન્કિંગમાં ભારતીય વાયુસેનાએ વિશ્વના ટોચના છ લશ્કરી હવાઈ એકમોમાં સ્થાન મેળવીને વિશ્વને પોતાની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. આ રેન્કિંગમાં ભારતે ચીન અને જાપાન જેવા શક્તિશાળી દેશોની વાયુસેનાને પાછળ છોડી દીધી છે.
રેન્કિંગની વિશેષતા
WDMMA હાલમાં વિશ્વના 103 દેશોના 129 લશ્કરી એકમોના કુલ 48,082 વિમાનોનું નિરીક્ષણ કરે છે. આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યાના આધારે નક્કી થતું નથી, પરંતુ તેના માટે ‘ટ્રુવલ રેટિંગ’ (TVR) નામના એક જટિલ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ મૂલ્યાંકનમાં તકનીકી આધુનિકીકરણ, લોજિસ્ટિકલ સપોર્ટ, આક્રમક તથા રક્ષણાત્મક ક્ષમતા અને કાફલાની વાસ્તવિક ગુણવત્તા જેવા મહત્વના પરિમાણોને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી, આ રેન્કિંગ વૈશ્વિક લશ્કરી ઉડ્ડયનની સાચી ક્ષમતા અને નબળાઈઓને સ્પષ્ટપણે દર્શાવે છે.
https://twitter.com/CENTCOM/status/2074603238175998290
વૈશ્વિક ચિત્ર અને ભારતનું સ્થાન:
રેન્કિંગના ટોચના પાંચમાં યુનાઇટેડ સ્ટેટ્સની વિવિધ શાખાઓનું પ્રભુત્વ છે. 242.9ના TVR સ્કોર સાથે યુએસ એરફોર્સ પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ક્રમશઃ યુએસ નેવી, રશિયન એરફોર્સ, યુએસ આર્મી અને યુએસ મરીન કોર્પ્સનો સમાવેશ થાય છે.69.4 ના TVR સ્કોર સાથે ભારતીય વાયુસેના છઠ્ઠા ક્રમે રહીને પોતાની મજબૂતી સાબિત કરી છે. નોંધપાત્ર છે કે ચીની એરફોર્સ 63.8 ના સ્કોર સાથે સાતમા અને જાપાની એરફોર્સ 58.1 ના સ્કોર સાથે આઠમા ક્રમે ધકેલાઈ ગયા છે.
અન્ય દેશોની સ્થિતિ:
આ યાદીમાં પાકિસ્તાની વાયુસેના 18મા ક્રમે છે, જ્યારે ભારતીય નૌકાદળનું એવિએશન ૨૭મા અને આર્મી એવિએશન 36 મા ક્રમે છે. ઇઝરાયલી અને ફ્રેન્ચ વાયુસેના પણ ટોચના 10 માં સ્થાન ધરાવે છે. ભારતીય વાયુસેનાની આ સિદ્ધિ દર્શાવે છે કે આધુનિકીકરણ અને વ્યૂહાત્મક ક્ષમતાઓમાં ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. વૈશ્વિક મંચ પર ભારતની આ સ્થિતિ દેશની વધતી જતી સૈન્ય આત્મનિર્ભરતા અને આધુનિક યુદ્ધ માટેની તૈયારીઓનું પ્રતીક છે.
આ પણ વાંચોઃ PM Modi ઇન્ડોનેશિયાના સૌથી મોટાં અને 1000 વર્ષ જૂના પ્રમ્બાનન મંદિરે પહોંચ્યા