સિંગાપોરમાં એક લોજિસ્ટિક્સ કંપનીના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ચંદર અગ્રવાલ હાઈ કોર્ટમાં એક વિચિત્ર કેસ હારી ગયા. તેમણે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ પાછળ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ સંબંધ તૂટ્યા બાદ તેમણે આ પૈસા પાછા મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. ચંદર અગ્રવાલે કોર્ટમાં આ રકમને લોન ગણાવીને પરત મેળવવાની અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી. આ મામલામાં સિંગાપોર હાઈ કોર્ટે ચંદર અગ્રવાલનો દાવો ફગાવીને કહ્યું કે વિવાદિત રકમ લોન નહોતી, પરંતુ સંબંધ દરમિયાન આપવામાં આવેલી ભેટો અને પોતાની ઈચ્છાથી કરવામાં આવેલો ખર્ચ હતો. ચંદર હવે આ કેસ હારી ગયા છે.
એક્સ ગર્લફ્રેન્ડ પાછળ 3.5 કરોડ ખર્ચ્યા, હવે પૈસા પરત માગ્યા
આ મામલો લોજિસ્ટિક્સ કંપની TCI Express Limitedના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદર અગ્રવાલ સાથે જોડાયેલો છે. તેમણે સંબંધ દરમિયાન પોતાની એક્સ ગર્લફ્રેન્ડ ફલિશિયા લી પાછળ લગભગ 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ સંબંધ તૂટ્યા બાદ તેમણે આ રકમને લોન ગણાવીને હાઈ કોર્ટમાં પૈસા પાછા મેળવવા માટે કેસ કર્યો હતો. હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં ચંદરે દાવો કર્યો હતો કે સંબંધ દરમિયાન તેમણે લી પાછળ જે રકમ ખર્ચી હતી, તે વ્યાજ વગરની લોન હતી અને લી તેને પરત કરવાની હતી.
ચંદર અને તેની એક્સ ગર્લફ્રેન્ડ
કોર્ટે ચંદરના દાવાને ફગાવીને કહ્યું કે આ રકમ લોન તરીકે આપવામાં આવી નહોતી, પરંતુ બંનેના સંબંધ દરમિયાન ખર્ચવામાં આવી હતી. કોર્ટના જણાવ્યા મુજબ, અગ્રવાલ અને લીની પહેલી મુલાકાત 2019માં એક ફ્લાઈટ દરમિયાન થઈ હતી. તે સમયે લી ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. બાદમાં તેણે ઈન્શ્યોરન્સ એજન્ટ અને મેડિકલ સેલ્સ ઓફિસર તરીકે પણ કામ કર્યું હતું. બંને વચ્ચે સપ્ટેમ્બર 2022માં સંબંધ શરૂ થયો હતો અને તેઓ લગભગ 1 વર્ષ સુધી સાથે રહ્યા હતા. અગ્રવાલને લી કોઈ બીજા યુવક સાથે પણ સંબંધમાં હોવાની શંકા થઈ હતી, ત્યારબાદ બંનેનો સંબંધ ડિસેમ્બર 2023માં પૂરો થઈ ગયો. તેના થોડા મહિના બાદ માર્ચ 2024માં અગ્રવાલે લી સામે કેસ કર્યો હતો.
લી માટે ફ્લાઈટ ટિકિટ અને મોંઘી ભેટો ખરીદી
કોર્ટના જણાવ્યા મુજબ, ચંદરે ડેટિંગ શરૂ કરતા પહેલાં જ લી પાછળ ઘણો ખર્ચ કર્યો હતો. ઓગસ્ટ 2022માં તેમણે લી માટે નવી દિલ્હીથી સિંગાપોરની મુસાફરી માટે સિંગાપોર એરલાઈન્સની સ્યુટ્સ ક્લાસની ટિકિટ ખરીદી હતી. આ ઉપરાંત યુરોપની મુસાફરી દરમિયાન ફ્લાઈટ અને હોટેલનો ખર્ચ પણ ચંદરે ઉઠાવ્યો હતો. તેમણે હર્મેસ, સેલિન, ડાયર અને પ્રાડા જેવી લક્ઝરી બ્રાન્ડની ભેટો પણ આપી હતી.
ટેક્સી, ફૂડ અને બ્યુટીનો ખર્ચ પણ કર્યો
કોર્ટના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર 2022માં અગ્રવાલે લીને કહ્યું હતું કે જો બંને સાથે છે તો તેણે તેમના પૈસા વાપરવામાં સંકોચ રાખવાની જરૂર નથી. ત્યારબાદ તેઓ પોતાની ઈચ્છાથી લીના ટેક્સી, ખાવા-પીવા અને બ્યુટી સાથે જોડાયેલા ખર્ચ માટે પૈસા આપતા રહ્યા. અગ્રવાલે બાદમાં આ ખર્ચને પણ પોતાના દાવામાં સામેલ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, સંબંધ દરમિયાન થયેલા ખર્ચમાં ક્રેડિટ કાર્ડના બિલ અને લાઈફ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ ચંદરે ચૂકવ્યું હતું.
વોટ્સએપ મેસેજથી ખુલ્યું સત્ય
કોર્ટે કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચે થયેલી વોટ્સએપ વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટના જણાવ્યા મુજબ, બંનેના મેસેજથી જાણવા મળ્યું કે ચંદરે પોતાની ઈચ્છાથી લી પાછળ પૈસા ખર્ચ્યા હતા. આ કેસમાં અગ્રવાલ માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે તેમના દાવાને સમર્થન આપતા કોઈ મજબૂત પુરાવા નહોતા. જજે કહ્યું કે તેઓ એ સાબિત કરી શક્યા નહોતા કે લીએ આ રકમ લોન તરીકે માગી હતી અથવા પછીથી તેને પરત કરવાની સંમતિ આપી હતી.
આ પણ વાંચો-Famous Cricketer : બોલીવુડ હીરો બનનાર પહેલો ભારતીય ક્રિકેટર! દર્શકોની ફરમાઇશ પર ફટકારતો સિક્સર!