ભારતે અમેરિકાના લોસ એન્જલસમાં એક નવું ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર (ICAC) શરૂ કર્યું છે. VFS ગ્લોબલ દ્વારા સંચાલિત આ સેન્ટર 15 ડિસેમ્બરના રોજ સંપૂર્ણપણે કાર્યરત થયું છે. લોસ એન્જલસમાં ભારતીય કોન્સ્યુલેટ અનુસાર, આ નવા સેન્ટરનો ઉદ્દેશ્ય પ્રદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓને કોન્સ્યુલર સેવાઓની સરળ અને ઝડપી પહોંચ પૂરી પાડવાનો છે.
કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર્સની કુલ સંખ્યા 17 થઈ ગઈ
નવું ICAC પાસપોર્ટ અને વિઝા અરજીઓ, ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI), ભારતીય નાગરિકતાનો ત્યાગ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ, પ્રમાણપત્રો અને અન્ય કોન્સ્યુલર સેવાઓને એક છત નીચે લાવશે. આનાથી લોકોનો સમય બચશે અને વિવિધ સ્થળોએ મુસાફરી કરવાની જરૂરિયાત દૂર થશે. લોસ એન્જલસ સેન્ટરના ઉદ્ઘાટનથી યુનાઈટેડ સ્ટેટ્સમાં VFS ગ્લોબલ દ્વારા સંચાલિત ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર્સની કુલ સંખ્યા 17 થઈ ગઈ છે. ઓગસ્ટની શરૂઆતમાં બોસ્ટન, કોલંબસ, ડલ્લાસ, ડેટ્રોઇટ, એડિસન, ઓર્લાન્ડો, રેલે અને સાન જોસમાં 8 નવા સેન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સેન્ટરોનો ઉદ્દેશ્ય કોન્સ્યુલર સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાનો છે.













