ઇન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટતાં ચિંતા વધી છે.જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ આકાશમાં મોટી ઊંચાઈ સુધી ફેલાઈ હતી અને આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. સુરક્ષાના કારણોસર ઇન્ડોનેશિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સોયેકાર્નો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે અનેક ફ્લાઇટ્સ રદ થઈ હતી અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વિસ્ફોટ લગભગ 30 સેકન્ડ સુધી ચાલ્યો
અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી મુખ્ય જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચે આવેલા સુન્ડા સ્ટ્રેટમાં સ્થિત છે. ઇન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સીના જણાવ્યા અનુસાર શનિવારે જ્વાળામુખીમાં હલચલના સંકેતો જોવા મળ્યા હતા. ત્યારબાદ રવિવારે વહેલી સવારે લગભગ 3:53 વાગ્યે જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ લગભગ 30 સેકન્ડ સુધી ચાલ્યો હતો.હાલની માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, જ્વાળામુખીની વધતી હલચલને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા 3 કિલોમીટર દૂર રહેવાની ચેતવણી આપી છે.

જકાર્તા સહિત અનેક વિસ્તારોમાં અસર
જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ હવાના પ્રવાહ સાથે આસપાસના વિસ્તારો તરફ આગળ વધી હતી.ઇન્ડોનેશિયાની જ્વાળામુખી વિજ્ઞાન એજન્સી અને ઓસ્ટ્રેલિયાના ડાર્વિન વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટરે સેટેલાઇટ તસવીરો દ્વારા જ્વાળામુખીમાંથી નીકળેલા રાખના બે મોટા ગોટા ઓળખ્યા હતા.તેમાંથી એક રાખનું વાદળ આશરે 20,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યું હતું અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધ્યું હતું. તેના કારણે રાજધાની જકાર્તા, બેન્ટેન, પશ્ચિમ જાવા અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં અસર જોવા મળી હતી.
એરપોર્ટ પર ફ્લાઇટ્સ અટકાવાઈ
જ્વાળામુખીમાંથી નીકળેલી રાખને ધ્યાનમાં રાખીને સોયેકાર્નો-હટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે 5:30થી 9:30 વાગ્યા સુધી ફ્લાઇટ્સનું સંચાલન અસ્થાયી રીતે અટકાવવામાં આવ્યું હતું.ફ્લાઇટ્સ રદ થવા અને સમયપત્રકમાં ફેરફાર થવાને કારણે એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી વધી હતી. ઘણા મુસાફરોએ ટિકિટના પૈસા પરત માંગ્યા હતા અને પોતાનું ચેક-ઇન સામાન પણ પાછું લીધું હતું.

3 કિલોમીટર દૂર રહેવાની ચેતવણી
સત્તાવાળાઓએ અનાક ક્રાકાટોઆની આસપાસ રહેતા લોકો અને પ્રવાસીઓને સક્રિય ક્રેટરથી સુરક્ષિત અંતર જાળવવા જણાવ્યું છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી, પરંતુ જ્વાળામુખીની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.અનાક ક્રાકાટોઆ ઇન્ડોનેશિયાના સક્રિય જ્વાળામુખીઓમાંથી એક છે. તેની હલચલ વધતાં સ્થાનિક પ્રશાસન અને સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહી છે. આગામી સમયમાં જ્વાળામુખીની સ્થિતિ અને રાખના વાદળની દિશાને ધ્યાનમાં રાખીને હવાઈ મુસાફરી અંગે વધુ નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો - USA-Iran તણાવ ચરમસીમાએ, વોશિંગ્ટને ત્રણ ઓઇલ ટેન્કરો પર કર્યા મિસાઇલ હુમલા, VIDEO