ઇન્ડોનેશિયામાં તાજેતરમાં આવેલા 7.7ની તીવ્રતાના ભીષણ ભૂકંપ બાદ કુદરતી વાતાવરણમાં અસામાન્ય ફેરફારો જોવા મળ્યા છે. ફ્લોરેસ આઇલેન્ડના પશ્ચિમ મંગગારાઈ વિસ્તારમાં આ ભૂકંપ આવ્યા પછી, પ્રખ્યાત સનો ન્ગોઆંગ તળાવમાં એક રહસ્યમય કાળો પદાર્થ દેખાયો હોવાના વીડિયો સામે આવ્યા છે છે. સ્થાનિક લોકો આ અનોખી ઘટનાને 'તાઈ સાનો' તરીકે ઓળખે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ કાળો પદાર્થ ખરેખર ભૂકંપના કારણે તળાવમાં ઉત્પન્ન થયો હતો કે પછી આની પાછળ કોઈ અન્ય કુદરતી કારણ જવાબદાર છે.
ફોટા અને વીડિયો વાયરલ
ઘટના બાદ સોશિયલ મીડિયા પર તળાવમાં થયેલા આ ફેરફારોના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. નિષ્ણાતોના મતે, આટલી તીવ્રતાનો ભૂકંપ જમીનની સાથે-સાથે પાણીની નીચે રહેલી માટી અને તળિયે જમા થયેલા કણોને બરાબર હચમચાવી શકે છે. આ હિલચાલને કારણે તળાવના તળિયે વર્ષોથી જમા થયેલી માટી અને કાંપ પાણીમાં ભળી ગયા હોવાની પૂરી શક્યતા છે, જેનાથી પાણી કાળું કે કાદવવાળું દેખાવા લાગે છે.
https://twitter.com/Updatesofwworld/status/2089196435250024906
પ્રાચીન જ્વાળામુખી પ્રદેશમાં બનેલું તળાવ
સનો ન્ગોઆંગ કોઈ સામાન્ય તળાવ નથી, પરંતુ તે એક પ્રાચીન જ્વાળામુખી પ્રદેશમાં બનેલું છે. સ્મિથસોનિયન સંસ્થાના વૈશ્વિક જ્વાળામુખી કાર્યક્રમ અનુસાર, આ તળાવનો ખાડો અંદાજે 2.5 બાય 3.5 કિલોમીટર જેટલો વિશાળ છે. આ વિસ્તારમાં તળાવની આસપાસ ગરમ ગેસ અને ગરમ પાણી બહાર નીકળવાની ભૂગર્ભ પ્રવૃત્તિઓ અવારનવાર થતી રહે છે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે આ તળાવની ઊંડાઈ આશરે 500 મીટર છે અને તેનું પાણી ખૂબ જ એસિડિક છે, જેનો pH આશરે 3.17 ની આસપાસ નોંધાયો છે.
હાનિકારક રસાયણો ભૂકંપ બાદ મળી આવ્યા
તળાવના પાણીમાં સલ્ફેટ અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા હાનિકારક રસાયણો મળી આવ્યા છે, જ્યારે તેની આસપાસ સલ્ફર જેવી તીવ્ર ગંધ પણ અનુભવાય છે. આ તમામ બાબતો સાબિત કરે છે કે તળાવની નીચે ભૂગર્ભ સક્રિયતા સતત ચાલુ રહે છે. આ સંજોગોમાં, ભૂકંપ અને શ્યામ દ્રવ્યના દેખાવા વચ્ચે સીધો સંબંધ છે કે નહીં તે અંગે કોઈપણ ઉતાવળિયો દાવો કરવો અકાળ ગણાશે. સાચી હકીકત મેળવવા માટે ઊંડાણપૂર્વકના વૈજ્ઞાનિક સંશોધનની રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ BJPએ પ્રભારીઓની યાદી જાહેર કરી, વિનોદ તાવડેને બનાવાયા યુપીના પ્રભારી