ઇન્ડોનેશિયાના બોર્નિયો ટાપુ પર જંગલોમાં લાગેલી ભીષણ આગના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પશ્ચિમ કાલીમંતન પ્રાંતમાં આવેલું પોન્ટિયાનાક શહેર ગાઢ અને ઝેરી ધુમાડાના કાળા ડિબાંગ પડદાથી છવાઈ ગયું છે. આ કુદરતી આપત્તિના કારણે ઇન્ડોનેશિયાના સાત પ્રાંતોના ૧૨.૫ મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે, અને હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી જવાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

શ્વસન સંબંધી બીમારીઓમાં મોટો ઉછાળો

હવા અત્યંત પ્રદૂષિત થઈ જવાથી લોકો માટે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. હોસ્પિટલોમાં શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં અકલ્પનીય વધારો થયો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, ૯ સપ્ટેમ્બર સુધીમાં ધુમાડાને લગતી શ્વસન બિમારીઓના કેસ વધીને 1,13,333 પર પહોંચી ગયા છે, જે માત્ર થોડા જ દિવસોમાં બમણા થઈ ગયા છે. પોન્ટિયાનાકના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ અસંખ્ય દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો મજબૂરીમાં માસ્ક પહેરીને જીવના જોખમે બહાર નીકળી રહ્યા છે, જ્યારે બાળકો અને વડીલોની સ્થિતિ સૌથી નાજુક બની ગઈ છે.
https://twitter.com/WeatherMonitors/status/2015645802950263230

પડોશી દેશોમાં પણ પ્રદૂષણની અસર

જંગલની આગનું આ સંકટ માત્ર ઇન્ડોનેશિયા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેના ઘાતક ધુમાડાએ પડોશી દેશો સિંગાપોર અને મલેશિયાની હવાની ગુણવત્તાને પણ ગંભીર રીતે પ્રભાવિત કરી છે. ખેતી માટે જમીન સાફ કરવાના પ્રયાસો અને આગને કારણે હવામાં ફેલાયેલા સૂક્ષ્મ કણો પરિસ્થિતિને વધુ વણસી રહ્યા છે. યુરોપિયન યુનિયનની ક્લાઇમેટ સર્વિસના જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયાએ ટૂંકા સમયમાં જ વૈશ્વિક સ્તરે અસાધારણ માત્રામાં ધુમાડો ઉત્સર્જિત કર્યો છે, જે સમગ્ર વિશ્વના ઉત્સર્જનના મોટા હિસ્સા સમાન છે.

પાણીની તીવ્ર અછત અને માનવીય સંકટ

ઝેરી ધુમાડાની સાથે-સાથે ઇન્ડોનેશિયાના નાગરિકો અત્યારે ગંભીર જળસંકટનો પણ સામનો કરી રહ્યા છે. વરસાદનો સંપૂર્ણ અભાવ અને પાણીના મુખ્ય સ્ત્રોતોમાં ખારા પાણીનું પ્રમાણ વધી જવાથી સ્વચ્છ પીવાનું પાણી મેળવવું લગભગ અસંભવ બન્યું છે. અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે પ્રભાવિત વિસ્તારોમાં માનવીય કટોકટી વધુ ઘેરી બની રહી છે.

આ પણ વાંચોઃ Hanuman Chalisa નથી આવડતા? હવે ગેમ રમતા રમતા શીખાશે, હનુમાન અંશ બાદ આવી રહી છે નવી શાનદાર ગેમ્સ