વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ ઝડપથી મધ્ય પૂર્વમાં તૈનાત થયુ છે.
સૈનિકોનું જીવન દયનીય
મોટાભાગના જહાજના શૌચાલય ભરાયેલા છે. જેના કારણે બોર્ડ પર રહેલા સૈનિકોનું જીવન દયનીય બની ગયું છે. 4500થી વધુ ખલાસીઓને દરરોજ 45 મિનિટ સુધી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી છે. ગટર વ્યવસ્થા નિષ્ફળ થઈ છે. યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ જૂન 2025 થી સમુદ્રમાં તૈનાત છે. જાન્યુઆરીમાં, આ જ જહાજે વેનેઝુએલા પર અમેરિકાના કડક કાર્યવાહી દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેના કારણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવામાં આવી હતી.
નિયમિત જાળવણીનો અભાવ
ભરાયેલા શૌચાલય અને ખામીયુક્ત ગટર વ્યવસ્થાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. વિશ્વના સૌથી મોંઘા યુદ્ધ જહાજ તરીકે ગણવામાં આવતા, આ જહાજમાં આશરે 650 શૌચાલય છે, જેમાંથી મોટાભાગના કામ કરતા નથી. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અને ખલાસીઓ સાથેની મુલાકાતો અનુસાર, સમુદ્રમાં તેની સતત હાજરીને કારણે નિયમિત જાળવણીનો અભાવ રહ્યો છે. જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
વેક્યુમ-આધારિત ગટર વ્યવસ્થા
આ સમસ્યા ટેકનિકલ ખામી સાથે સંબંધિત છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોવા છતાં, આ યુદ્ધ જહાજ નાજુક વેક્યુમ-આધારિત ગટર વ્યવસ્થા પર આધાર રાખે છે. આનો અર્થ એ છે કે એક જ વાલ્વ નિષ્ફળતા જહાજના બધા શૌચાલયોને બંધ કરી શકે છે. દર વખતે સિસ્ટમનું સમારકામ કરવામાં આવે ત્યારે એસિડ ફ્લશ કરવા માટે આશરે $400,000 ખર્ચવામાં આવે છે. જોકે યુએસ અધિકારીઓ કહે છે કે આ સમસ્યાઓ તેમના લશ્કરી કામગીરી પર અસર કરી રહી નથી, ઘરથી દૂર રહેતા સૈનિકોએ તેમના પરિવારોને જહાજની વાસ્તવિકતાની જાણ કરી છે.
સૈનિકોના વર્તમાન મિશન પર અસર
ગેરાલ્ડ ફોર્ડ પર તૈનાત ઘણા ખલાસીઓ 20 થી 25 વર્ષની વચ્ચે છે. સતત ફરજ અને લાંબી તૈનાતીનો થાક તેમના ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે. પરિવારથી દૂર રહેવાની અસર પણ ઊંડી છે. આ પરિસ્થિતિએ કેટલાક સૈનિકોને તેમના વર્તમાન મિશન પછી સેવા છોડવાનું વિચારવાની ફરજ પાડી છે. ગયા વર્ષે અમેરિકા માટે આવી જ પરિસ્થિતિ મોંઘી સાબિત થઈ હતી. એપ્રિલ-મે 2025માં લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો સાથેના સંઘર્ષ દરમિયાન એરક્રાફ્ટ કેરિયર યુએસએસ હેરી એસ ટ્રુમને ઘણા ફાઇટર જેટ ગુમાવ્યા હતા.
આ પણ વાંચોઃ America Weather: અમેરિકામાં ઐતિહાસિક 'બોમ્બ ચક્રવાત' ત્રાટક્યું, વસ્તી બરફના તોફાનની ઝપેટમાં
