શુક્રવારની રાતે જ્યારે આખુ ઈઝરાયલ ઉંઘમાં હતું ત્યારે આકાશમાંથી અચાનક આગના ગોળા વરસવા લાગ્યા, સાયરનો વાગવા લાગ્યા અને ભાગદોડ મચી ગઈ. ઈરાને ઈઝરાયલ પર એક પછી એક બલેસ્ટિક મિસાઈલો છોડી. જેનાથી આખા દેશમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. કેટલીક મિસાઈલ રહેણાંક વિસ્તારોમાં પડી, કેટલીક ઈન્ટરસેપ્ટ કરાઈ તો ઘણા લોકો ઘાયલ થયા અને એક મહિલાનો જીવ પણ ગયો. ઈઝરાયલી સેનાએ આ હુમલાનો જવાબ આપતા ઈરાનના બે મુખ્ય એરબેઝ પર હુમલાઓ કર્યા હતા.
પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂએ દુનિયાની સામે કહ્યું છે કે આ ફક્ત ઈઝરાયલની સુરક્ષા માટે નથી પરંતું ઈરાનની જનતાની આઝાદી માટે પણ છે. તેમણે ઈરાનની જનતાને અપીલ કરી હતી કે તેઓ ઈસ્લામિક સાશન વિરુદ્ધ અવાજ ઉઠાવે. ઈરાને એવી ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ઈઝરાયલની મદદ કરશે તો તેને પણ નિશાન બનાવવામાં આવશે. આ ધમકી અમેરિકાને આપી હોય એવું માનવામાં આવી રહ્યું છે.













