પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલી અસ્થિરતા હવે એક નવા અને ખતરનાક વળાંક પર આવી ગઈ છે. ઈરાને તેના નવા સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનેઇની પસંદગી કરી છે, જેમના નામની જાહેરાત થતાની સાથે જ ઈઝરાયલે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા ઈરાનના ભાવિ નેતૃત્વને સીધી ચેતવણી આપી છે કે જે કોઈ પણ નેતા ઈઝરાયલ વિરુદ્ધ કામ કરશે, તેને નિશાન બનાવવામાં આવશે.
ઈઝરાયલની કડક ચેતવણી
સંરક્ષણ મંત્રી કાત્ઝે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ઈરાન દ્વારા નિયુક્ત કરવામાં આવેલો કોઈપણ નેતા, જે ઈઝરાયલનો નાશ કરવાના ઈરાદા રાખશે અથવા અમેરિકા અને અન્ય મુક્ત વિશ્વને ધમકી આપશે, તે અમારા હુમલાનું મુખ્ય લક્ષ્ય હશે." તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાની શાસન દ્વારા પ્રાદેશિક દેશો પર જુલમ ગુજારવાની અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની યોજનાને જે પણ નેતૃત્વ પૂરું પાડશે, તેને છોડવામાં આવશે નહીં.
મોજતબા ખામેનેઇ કોણ છે?
56 વર્ષીય મોજતબા ખામેની, ઈરાનના સ્વર્ગસ્થ ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોટા પુત્ર છે. તેહરાન સ્થિત એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. મોજતબા લાંબા સમયથી ઈરાનની સત્તાવાર વ્યવસ્થામાં પડદા પાછળ રહીને મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે. જોકે, તેમની નિમણૂકથી ઈરાનમાં વંશીય રાજકારણ અથવા 'પરિવારવાદ' અંગે પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે ઈરાની ક્રાંતિનો મૂળ હેતુ રાજાશાહીનો અંત લાવવાનો હતો.
ઇરાન ઇઝરાયલ વચ્ચે વધી રહ્યુ છે યુદ્ધ
આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સીધો લશ્કરી યુદ્ધ ચરમસીમાએ છે. ઈઝરાયલનું આ નિવેદન દર્શાવે છે કે તેઓ માત્ર સંગઠનો જ નહીં, પરંતુ ઈરાનના સર્વોચ્ચ શિખર પર બેઠેલા નેતાઓને પણ નિશાન બનાવતા અચકાશે નહીં. હવે જોવાનું એ રહેશે કે મોજતબા ખામેનીના નેતૃત્વ હેઠળ ઈરાન આ ધમકીઓનો કેવો જવાબ આપે છે અને પશ્ચિમ એશિયાની શાંતિ પર તેની શું અસર પડે છે.
