ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અયાતોલ્લાહ અલી ખામેનેઈની અંતિમ વિધિ (સુપુર્દ-એ-ખાક) દરમિયાન સુરક્ષાના કારણોસર તેમના પુત્ર મોઝતબા ખામેનેઈ હાજર નહીં રહે તેવા અહેવાલો છે. આ હાઈ-પ્રોફાઈલ ગેરહાજરી બાદ બે મોટા સવાલો ઉઠી રહ્યા છે: પહેલો એ કે, જો મુખ્ય વારસદાર મોઝતબા હાજર નહીં હોય તો દફન વિધિ વખતે કબર પર પહેલી ત્રણ મુઠ્ઠી માટી કોણ આપશે? અને બીજો સવાલ એ કે, ઈસ્લામિક કાયદા મુજબ ખામેનેઈના પવિત્ર પાર્થિવ દેહના સત્તાવાર ઉત્તરાધિકારી કોણ બનશે?
ઇસ્લામિક કાયદા મુજબ મૃતદેહના ઉત્તરાધિકારી કોણ?
શિયા ધર્મગુરુ અલી સિસ્તાનીના ફતવા અને ઇમામ ફાઉન્ડેશનના પુસ્તકો અનુસાર, કોઈ પણ વ્યક્તિના નિધન બાદ તુરંત જ તેના પાર્થિવ દેહના ઉત્તરાધિકારી (વારસદાર) નક્કી કરવામાં આવે છે. જો કોઈ પુરુષનું અવસાન થાય તો તેનો પુત્ર આખી વ્યવસ્થાનો મુખ્ય વડો બને છે. જો પરિવારમાં કોઈ ન હોય તો નજીકના સંબંધી અને જો કોઈ સંબંધી પણ ન હોય તો સ્થાનિક ઇમામને પાર્થિવ દેહના ઉત્તરાધિકારી માનવામાં આવે છે. અલી ખામેનેઈના કિસ્સામાં મોઝતબા ઉપરાંત તેમના અન્ય ત્રણ પુત્રો પણ છે. તેમના મોટા પુત્ર મુસ્તફા ખામનેઈ, જેઓ પોતે એક ઇમામ છે, તેઓ આ વિધિ દરમિયાન હાજર રહીને મુખ્ય વારસદારની ભૂમિકા ભજવે તેવી પૂરી સંભાવના છે.
શિયા સંપ્રદાયમાં સુપુર્દ-એ-ખાકની સંપૂર્ણ પ્રક્રિયા
શિયા નિયમો અનુસાર, સૌથી પહેલા શારીરિક કાળજી રાખીને મૃતદેહને સ્નાન (ગુસલ) કરાવવામાં આવે છે, જેમાં ગરમ પાણીનો ઉપયોગ કરવાની મનાઈ છે. ત્યારબાદ આખા શરીર પર કપૂરનો લેપ લગાવીને કફન વીંટાળવામાં આવે છે. જનાજાની નમાજ પઢાવ્યા બાદ પવિત્ર કાબા (મક્કા) તરફ મુખ રાખીને શવને કબરમાં ઉતારવામાં આવે છે. નિયમ મુજબ સૌપ્રથમ પુત્ર અથવા નજીકના સંબંધીએ કબરમાં 3 મુઠ્ઠી માટી નાખવાની હોય છે, પરંતુ જો કોઈ કારણસર પુત્ર હાજર ન રહી શકે તો ત્યાં હાજર ઇમામ અને સગાં-સંબંધીઓ પણ આ પ્રક્રિયા પૂરી કરી શકે છે. પુત્રની ગેરહાજરીથી દફનવિધિ અટકતી નથી.
મોઝતબા દૂર રહીને પણ અદા કરી શકશે ધાર્મિક ફરજ
ઇસ્લામિક કાયદા હેઠળ દફનવિધિ પૂર્ણ થયા બાદ પઢવામાં આવતી 'ફાતિહા' (પ્રાર્થના) માટે સ્થળનું કોઈ બંધન નથી. મોઝતબા ખામેનેઈ કોઈપણ સુરક્ષિત અથવા ગુપ્ત સ્થળેથી પિતાની આત્માની શાંતિ માટે ફાતિહા પઢી શકે છે અને દેશના નામે શોક સંદેશ જાહેર કરી શકે છે. સંરક્ષણ અને ધાર્મિક નિષ્ણાતોના મતે, ઈરાને અગાઉથી જ પડદા પાછળ બધી જ સત્તાવાર વ્યવસ્થાઓ ગોઠવી લીધી છે, જેથી પ્રોટોકોલ અને ધાર્મિક પરંપરાઓનો ભંગ થયા વિના સુપ્રીમ લીડરને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી શકાય.
આ પણ વાંચો: US Unemployment Rate: અમેરિકામાં નોકરીના આંકડામાં મોટો ઘટાડો, જૂન મહિનામાં માત્ર 57 હજાર નવી જોબ્સ ઉમેરાઇ