અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ વાણિજ્યિક જહાજો પર થયેલા કથિત ઈરાની હુમલા બાદ અમેરિકાએ કડક વલણ અપનાવતા ઈરાન પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ઈરાન દ્વારા જહાજો પર કરાયેલા બોમ્બમારાના જવાબમાં કરવામાં આવી છે.

ઇરાનને ગંભીર પરિણામો ભોગવવાની આપી ચેતવણી

હુમલાના થોડા સમય પહેલા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "જો આવું ફરીથી થશે, તો પ્રતિક્રિયા વધુ તીવ્ર હશે." ઈરાની મીડિયા અહેવાલો મુજબ, પર્સિયન ગલ્ફમાં ઈરાન-નિયંત્રિત ટાપુઓ અને દેશના દક્ષિણ કિનારાના વિસ્તારોમાં મોટા વિસ્ફોટો સંભળાયા હતા.

ઇરાને પણ જવાબી હુમલામાં આપી જોરદાર ચેતવણી

આ હુમલાના જવાબમાં ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, "અમેરિકા હજુ પણ શીખ્યું નથી કે ધમકીઓની કિંમત ચૂકવવી પડે છે. જો તમે હુમલો કરશો, તો તમારે વળતો પ્રહાર સહન કરવો પડશે." ગાલિબાફે વધુમાં ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની વ્યવસ્થા જ કાયમ રહેશે અને અમેરિકી ધમકીઓ તેને બદલી શકશે નહીં.

ઇરાનનો દાવો તેમણે બહેરીન કુવૈત પર કર્યા હુમલા

સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાને દાવો કર્યો કે તેમણે બહેરીન અને કુવૈત સ્થિત અમેરિકી લશ્કરી થાણાઓ પર જવાબી હુમલા કર્યા છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકી પ્રમુખને જવાબ આપતા કહ્યું કે, ઈરાન અભદ્ર ટિપ્પણીઓનો જવાબ શબ્દોથી નહીં, પરંતુ હિંમતભરી કાર્યવાહીથી આપે છે.

બંને દેશો એકબીજાને સતત આપી રહ્યા છે ધમકીઓ

આ સંઘર્ષે સમગ્ર પર્સિયન ગલ્ફ વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. બંને દેશો એકબીજાને સતત ધમકીઓ આપી રહ્યા છે અને લશ્કરી કાર્યવાહીઓનો દોર શરૂ થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ પરિસ્થિતિને લઈને ભારે ચિંતા સેવાઈ રહી છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ એ વૈશ્વિક ક્રૂડ ઓઈલ સપ્લાય માટે અત્યંત મહત્વનો માર્ગ છે. જો આ તણાવ ઘટવાને બદલે વધશે, તો તેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. હાલમાં બંને પક્ષો પોતાની રણનીતિ પર અડગ હોવાથી શાંતિની સંભાવનાઓ ધૂંધળી દેખાઈ રહી છે.

આ પણ વાંચોઃ Iran War: યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કેમ કહ્યુ કે તમે સૌથી ખતરનાક ફ્લાઇટમાં સવાર છો...