ઈરાને તાજેતરમાં તેમના સ્વર્ગસ્થ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઇના અંતિમ સંસ્કારમાં ભારતીય પ્રતિનિધિમંડળની હાજરી બદલ ભારત સરકાર અને સમગ્ર દેશનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. ઈરાની દૂતાવાસે આ ઘટનાને બંને દેશો વચ્ચેના સદીઓ જૂના, ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને માનવતાવાદી સંબંધોનું પ્રતીક ગણાવ્યું છે.
ભારતની હાજરી પર જતાવ્યો આભાર
ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ભાવુક પોસ્ટ દ્વારા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. દૂતાવાસે જણાવ્યું હતું કે, ઈરાનના લોકો ભારત સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી કરુણા અને આદરને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે આ મુલાકાતને ભારત અને ઈરાન વચ્ચેના અતૂટ સંબંધોનો એક અમૂલ્ય પુરાવો ગણાવ્યો છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ઘટના બંને દેશો વચ્ચેની મિત્રતાને ભવિષ્યમાં વધુ મજબૂત બનાવવામાં એક મજબૂત પાયો સાબિત થશે.
ખામેનેઇના અંતિમ વિદાય સમારંભમાં ભારત પ્રતિનિધિમંડળ રહ્યુ હાજર
તેહરાનમાં આયોજિત આ અંતિમ વિદાય સમારંભમાં ભારતે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલીને ઈરાન સાથે એકતા દર્શાવી હતી. જેમાં વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈને ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તથા જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ હાજર રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહેબૂબા મુફ્તીએ તેહરાનથી વિદાય લેતી વખતે ઈરાની નેતૃત્વ અને ત્યાંના લોકો સાથે એકતા વ્યક્ત કરતા તેમના આતિથ્ય બદલ આભાર માન્યો હતો.
ઇરાન સાથેના મજબૂત સંબંધની સ્થિતિ કરી સ્થાપિત
નોંધનીય છે કે, આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ એક યુએસ-ઇઝરાયલી હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીનું નિધન થયું હતું, જેના પગલે પશ્ચિમ એશિયામાં રાજકીય તણાવમાં મોટો વધારો થયો છે. તેહરાનમાં યોજાયેલા અંતિમ સંસ્કારમાં લાખોની સંખ્યામાં શોકાતુર લોકો એકઠા થયા હતા. ઈરાની નેતૃત્વએ આ સમયે ખામેનીના વારસાને આગળ ધપાવવાનો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક વલણ અપનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતની આ મુલાકાતે આ મુશ્કેલ સમયમાં ઈરાન સાથેના તેના મિત્રતાના સંબંધોને ફરી એકવાર મજબૂત રીતે સ્થાપિત કર્યા છે.
આ પણ વાંચોઃ UK: પાકિસ્તાન સામે મહાસંગ્રામ, PoJK માં અત્યાચાર અને ધરપકડ વિરૂદ્ધ હજારો કાશ્મીરીઓની 'મિલિયન માર્ચ' યોજાઇ, Video