ઈરાન સામે આગોતરા હુમલાની જાહેરાત બાદ ઈઝરાયલમાં પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. ઈઝરાયલ સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો છે કે દેશભરમાં સાયરન વગાડવામાં આવ્યા છે અને મોબાઈલ ફોન પર આગોતરી એલર્ટ ચેતવણીઓ મોકલવામાં આવી છે, જેમાં નાગરિકોને સલામત સ્થળોની નજીક રહેવાની સૂચના આપવામાં આવી છે. અહેવાલ મુજબ ઈઝરાયલે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે.
જનતાને સલામત સ્થળોની નજીક રહેવા જણાવાયું
આઈડીએફએ જણાવ્યું હતું કે, ઈઝરાયલ તરફ મિસાઈલ છોડવામાં આવી શકે તેવી શક્યતા માટે જનતાને તૈયાર કરવા માટે આ એક સક્રિય ચેતવણી છે. ઈઝરાયલી સૈન્યએ પુનરોચ્ચાર કર્યો કે જનતાને સલામત સ્થળોની નજીક રહેવા વિનંતી કરવામાં આવે છે."
સમગ્ર દેશમાં ખાસ કટોકટીની સ્થિતિ જાહેર કરી
ઈઝરાયલી લશ્કરી અધિકારીઓએ સમગ્ર દેશમાં ખાસ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. રાષ્ટ્રીય કટોકટી જાહેર કરતા સંરક્ષણ પ્રધાન ઈઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે ઈઝરાયલી નાગરિક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલાની શક્યતા છે.
પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું
ઈઝરાયલી લશ્કરે પણ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. એરલાઈન્સને ઈઝરાયલી ક્ષેત્રમાં પ્રવેશ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
દેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે
ઈઝરાયલી સૈન્યએ એવી પણ જાહેરાત કરી છે કે દેશભરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે, જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે.
તેહરાનમાં વિસ્ફોટો
ઈરાનની રાજધાની તેહરાનમાં પણ વિસ્ફોટોના અહેવાલો મળ્યા છે. ઈરાની સમાચાર એજન્સી, ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમહુરી વિસ્તારમાં અનેક મિસાઈલો પડી હતી. રાજ્ય મીડિયાએ પુષ્ટિ આપી છે કે મધ્ય તેહરાનમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. જોકે, ઈરાની અધિકારીઓએ નુકસાન કે જાનહાનિ વિશે કોઈ વિગતો શેર કરી નથી.
દુનિયા હવે ઈરાનની સંભવિત પ્રતિક્રિયા પર નજર રાખી રહી છે
ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું છે કે આ હુમલો દેશ સામેના નિકટવર્તી જોખમોનો સામનો કરવામાટે કરવામાં આવ્યો હતો. દુનિયા હવે ઈરાનના સંભવિત પ્રતિભાવ પર નજર રાખી રહી છે, કારણ કે પરિસ્થિતિ મોટા પ્રાદેશિક યુદ્ધ તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે.
આ પણ વાંચો--- Israel Iran conflict : ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કર્યો, તેહરાન સહિત અનેક સ્થળો પર વિસ્ફોટ