મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષે વૈશ્વિક વેપાર પર અસર પાડી છે. આ યુદ્ધમાં અમેરિકાના વચ્ચે આવાના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. તેનો સીધો ફટકો ભારતીય ચોખા, ખાસ કરીને બાસમતી ચોખાના શિપમેન્ટ પર પડ્યો છે.

ચોખાની શિપમેન્ટ્સ અટકી

ભારતીય નિકાસકારોના જણાવ્યા મુજબ, ઇરાન અને અફઘાનિસ્તાન માટે જતી ચોખાની શિપમેન્ટ અટકી ગઈ છે. આ શિપમેન્ટ્સ ઇરાનના મુખ્ય બંદર અબ્બાસ પર ફસાઈ ગઈ છે. યુદ્ધના જોખમને કારણે જહાજોની અવરજવર ધીમી પડી છે અને વીમા કંપનીઓ પણ યુદ્ધ ક્ષેત્રમાં જતા જહાજોને પૂરતું કવર આપવા તૈયાર નથી. પરિણામે નિકાસકારો માટે જોખમ વધી ગયું છે.

ઇરાન તરફથી થનારી ચુકવણીમાં વિલંબ

ચુકવણીનો મુદ્દો પણ ગંભીર બની રહ્યો છે. ઇરાન તરફથી થનારી ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે નિકાસકારોની નાણાકીય પ્રવાહ પર અસર પડી છે. હરિયાણા રાજ્યના ચોખા નિકાસકારો ખાસ કરીને વધુ પ્રભાવિત થયા છે. હરિયાણા ભારતના કુલ બાસમતી નિકાસમાં આશરે 35 ટકા હિસ્સો ધરાવે છે.

સોનીપત જેવા વિસ્તારો બાસમતી ચોખાના મુખ્ય નિકાસ

કરનાલ, કૈથલ અને સોનીપત જેવા વિસ્તારો બાસમતી ચોખાના મુખ્ય નિકાસ કેન્દ્રો છે. કરનાલના મિલ માલિકોના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદ માત્ર એક જ દિવસમાં બાસમતી ચોખાના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 4થી 5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે પ્રતિ ક્વિન્ટલ અંદાજે 400થી 500 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સ્થિતિ ખેડૂતો અને વેપારીઓ બંને માટે ચિંતાજનક છે.

એપ્રિલ મહિનાની શિપમેન્ટ્સ પર ભારે અસર

નિકાસકારોનું કહેવું છે કે જો યુદ્ધ લાંબું ચાલશે તો માર્ચ અને એપ્રિલ મહિનાની શિપમેન્ટ્સ પર ભારે અસર પડશે. ઇરાન ભારતના બાસમતી ચોખાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયાના દેશો જેમ કે યુએઈ, ઓમાન, યમન અને ઇરાકમાં પણ ભારતીય બાસમતીની મોટી માંગ છે.

2024-25 દરમિયાન ભારતે આશરે 6 મિલિયન ટન

નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતે આશરે 6 મિલિયન ટન બાસમતી ચોખાની નિકાસ કરી હતી, જેમાંથી લગભગ 1 મિલિયન ટન માત્ર ઇરાનને જ મોકલવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિમાં જો વેપાર લાંબા સમય સુધી અટકશે તો ભારતીય નિકાસ આવક અને ખેડૂતોની આવક બંને પર નકારાત્મક અસર પડી શકે છે. નિષ્ણાતો માને છે કે સરકાર અને વેપાર સંગઠનોએ મળીને વૈકલ્પિક બજારો શોધવા, વીમા અને ચુકવણી સુરક્ષા મજબૂત કરવાની દિશામાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી યુદ્ધના તણાવ વચ્ચે પણ નિકાસકારોને થોડી રાહત મળી શકે.

આ પણ વાંચો : Iran attacks oil tanker : હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો ઓઈલ ટેન્કર પર હુમલો, 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા