મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કડક પ્રહાર કર્યા છે. અરાઘચીએ ટ્રમ્પને “જૂઠા” અને “દેશદ્રોહી” કહીને આરોપ લગાવ્યો કે તેમણે પરમાણુ મુદ્દા જેવી સંવેદનશીલ બાબતોને ગંભીરતાથી નહીં પરંતુ રિયલ એસ્ટેટ સોદા જેવી રીતે હલ કરી.


વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના સત્તાવાર X (પૂર્વે Twitter) પર લખ્યું કે જ્યારે પરમાણુ વાટાઘાટો જેવી મહત્વપૂર્ણ ચર્ચાઓને મિલકતના વ્યવહારની જેમ ગણવામાં આવે છે, ત્યારે તેનાથી ખોટી અપેક્ષાઓ ઊભી થાય છે. તેમણે કહ્યું કે આવી અપેક્ષાઓ ક્યારેય પૂર્ણ થતી નથી અને અંતે વાટાઘાટોના ટેબલ પર વિશ્વાસના બદલે “બદલો” ફેંકવામાં આવે છે.

લાંબા સમયથી પરમાણુ કાર્યક્રમ

ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી પરમાણુ કાર્યક્રમને લઈને તણાવ છે. ઈરાન પર આરોપ છે કે તે પરમાણુ હથિયાર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યારે ઈરાન આ આરોપોને નકારી રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ઈઝરાયલ બંને ઈરાનની સૈન્ય ક્ષમતાને લઈને ચિંતિત છે. હાલની પરિસ્થિતિમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હવામાં અને જમીન પર હુમલાઓના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

પોતાના દેશના લોકો સાથે પણ દગો

અરાઘચીએ વધુમાં કહ્યું કે ટ્રમ્પે માત્ર ઈરાન સાથે નહીં પરંતુ પોતાના દેશના લોકો સાથે પણ દગો કર્યો છે. તેમના મુજબ, અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાનો નિર્ણય ખોટી જાણકારીના આધારે લીધો હતો. ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમને લાગ્યું કે ઈરાન હુમલો કરવાની તૈયારીમાં છે, તેથી પૂર્વ પગલું તરીકે કાર્યવાહી કરવામાં આવી.

 માર્કો રુબિયોના નિવેદનો પણ ચર્ચામાં

આ મામલે અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોના નિવેદનો પણ ચર્ચામાં આવ્યા છે. રુબિયોએ શરૂઆતમાં કહ્યું હતું કે જો ઈઝરાયલ પર હુમલો થાય તો ઈરાન અમેરિકી સ્થાનોને નિશાન બનાવી શકે છે, તેથી પહેલેથી પગલું લેવામાં આવ્યું. જોકે બાદમાં તેમના નિવેદનમાં ફેરફાર જોવા મળ્યો, જેને લઈને રાજકીય વિવાદ વધુ ઊંડો થયો.

વિદેશ મંત્રીએ દાવો કર્યો

ઈરાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે રુબિયોએ સ્વીકાર્યું કે ઈઝરાયલ સંબંધિત પરિસ્થિતિને કારણે ઈરાન પર હુમલો થયો હતો અને ઈરાન સીધો અમેરિકાને કોઈ ખતરો નહોતો. આ નિવેદન બાદ અમેરિકાની આંતરિક રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી નેતાઓ અને સામાજિક સંગઠનો ટ્રમ્પના નિર્ણયોની ટીકા કરી રહ્યા છે.

તણાવ માત્ર યુદ્ધભૂમિ સુધી સીમિત

ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થયાના અહેવાલો પણ છે. આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ માત્ર યુદ્ધભૂમિ સુધી સીમિત નથી, પરંતુ રાજકીય અને રાજદ્વારી મંચો પર પણ તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં શું થાય છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ માટે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવી છે. બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ વધતો જઈ રહ્યો છે, જે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ માટે ચિંતાજનક છે.

આ પણ વાંચો : Iranian ship attack : શ્રીલંકા નજીક ઈરાની જહાજ પર સબમરીન હુમલો, 101 ગુમ અને 78 ઘાયલ


  • Follow us on: