મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં 14 દિવસના યુદ્ધવિરામની સમજૂતી થઈ છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. ઈઝરાયલે આ યુદ્ધવિરામ વચ્ચે એક અત્યંત બોલ્ડ ઓપરેશન પાર પાડીને દાવો કર્યો છે કે તેણે લેબનોનની રાજધાની બેરુતમાં હિઝબુલ્લાહના ચીફ નઈમ કાસિમના ભત્રીજા અને તેના અંગત સચિવ અલી યુસેફ હરાશીને એક એરસ્ટ્રાઈકમાં ઠાર માર્યો છે.

બેરુતમાં આઈડીએફનો સપાટો

ઈઝરાયલી સૈન્ય (IDF) ના જણાવ્યા અનુસાર, ગુરુવાર (9 એપ્રિલ) ની રાત્રે બેરુત વિસ્તારમાં ચોકસાઈપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો મુખ્ય લક્ષ્ય અલી યુસેફ હરાશી હતો, જે નઈમ કાસિમનો અત્યંત નજીકનો વ્યક્તિ મનાતો હતો. મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ હુમલો હિઝબુલ્લાહના નેતૃત્વ અને ઈરાન માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે, કારણ કે હિઝબુલ્લાહ આ પ્રદેશમાં ઈરાનનું સૌથી મજબૂત સાથી સંગઠન છે. જોકે, હિઝબુલ્લાહ તરફથી હજુ સુધી આ મોત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

લેબનોનમાં વિનાશનું દ્રશ્ય

ઈરાન સાથે યુદ્ધવિરામ હોવા છતાં, ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબનોન આ કરારનો ભાગ નથી. છેલ્લા 24 કલાકમાં ઈઝરાયલે લેબનોન પરના હુમલાઓ તેજ કર્યા છે, જેમાં 254 લોકોના મોત થયા છે અને 1,165 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓમાં અનેક સામાન્ય નાગરિકો અને એક લેબનીઝ ઈમામનું પણ મોત નીપજ્યું છે, જેના કારણે લેબનોનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઈરાનની આકરી ચેતવણી

ઈઝરાયલની આ કાર્યવાહીથી ઈરાન લાલચોળ થયું છે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી છે કે જો લેબનોન પરના હુમલાઓ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે, તો ઈરાન અમેરિકા સાથેનો યુદ્ધવિરામ કરાર રદ કરી દેશે. અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકા 'યુદ્ધવિરામ' અને 'ઈઝરાયલ દ્વારા યુદ્ધ' એમ બંને બાબતો એકસાથે ચલાવી શકે નહીં.

કોણ છે નઈમ કાસિમ?

નઈમ કાસિમ હિઝબુલ્લાહના સ્થાપક સભ્યો અને મુખ્ય વિચારધારકોમાંના એક છે. દક્ષિણ લેબનોનના કાફર કિલા ગામમાં જન્મેલા કાસિમે કેમિસ્ટ્રીમાં સ્નાતક મેળવ્યા બાદ ધાર્મિક અભ્યાસ કર્યો હતો. તેઓ લાંબા સમય સુધી ઈસ્લામિક શિક્ષણ સંગઠનો સાથે જોડાયેલા રહ્યા છે અને સંગઠનમાં તેમનું સ્થાન ઘણું ઊંચું છે. તેમના પરિવારના સભ્ય પરનો આ હુમલો હિઝબુલ્લાહના મનોબળને તોડવા માટેનો ઈઝરાયલનો વ્યૂહાત્મક પ્રયાસ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ War ની વચ્ચે હથિયારોના વેચાણમાં વધારો! 100 દેશોએ પોતાનું સંરક્ષણ બજેટ વધાર્યુ, જાણો કેમ?