મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે સૌદી અરેબિયાના અલ-ખારજ શહેરમાં એક ભયાનક મિસાઈલ હુમલો થયો છે. એક મેઈન્ટેન્સ અને સફાઈ કંપનીના રહેણાંક સંકુલ (લેબર કેમ્પ) પર પડેલી મિસાઈલના કારણે એક ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિકનું મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય 12 બાંગ્લાદેશી નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

ઈરાનની નીતિની કડક નિંદા

છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ઈરાન દ્વારા ખાડી દેશો પર કરવામાં આવી રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓની શ્રેણીમાં આ લેટેસ્ટ ઘટના છે. આરબ લીગના પ્રમુખ અહેમદ અબુલ ઘેઈતે રાજદ્વારી બેઠકમાં ઈરાનની આક્રમક અને 'અવિવેકી' નીતિની આકરી ટીકા કરી છે.

ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઈઝરી જાહેર

સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દૂતાવાસે તમામ ભારતીયોને સતર્ક રહેવા, સ્થાનિક અધિકારીઓના સુરક્ષા નિર્દેશોનું કડક પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા અપીલ કરી છે.

પરિસ્થિતિ અને વિમાન સેવાઓ

રિયાધ અને જેદ્દાહમાં ભારતીય દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ સામાન્ય રીતે કાર્યરત છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારત પરત ફરવા ઈચ્છતા નાગરિકો માટે જેદ્દાહ, દમ્મામ અને રિયાધથી ભારતની નિયમિત ફ્લાઈટ્સ ચાલુ છે. નાગરિકો સીટની ઉપલબ્ધતા તપાસીને મુસાફરી કરી શકે છે. હાલમાં મૃતક ભારતીય નાગરિકની ઓળખ જાહેર કરવામાં આવી નથી, અને દૂતાવાસ સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છે.


આ પણ વાંચો - Israel Iran War : 8 દિવસમાં 8,000 હુમલા! ઈરાન-અમેરિકા-ઈઝરાયલ યુદ્ધમાં કોણ આગળ?