મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના કારણે વૈશ્વિક કનેક્ટિવિટી અને વેપાર પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ પર સર્જાયેલી પરિસ્થિતિએ સમગ્ર વિશ્વને ચેતવી દીધું છે. આ માત્ર 33 કિમી પહોળો દરિયાઈ માર્ગ છે, પરંતુ વૈશ્વિક તેલ પુરવઠાનો લગભગ 20–25% ભાગ અહીંથી પસાર થાય છે. ઈરાન દ્વારા આ માર્ગ પર નાકાબંધી થવાથી દરરોજ 20 મિલિયન બેરલથી વધુ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના પરિવહનમાં ખલેલ પડી છે. પરિણામે તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
એરપોર્ટ બંધ અને ફ્લાઇટ્સ રદ
તણાવને કારણે દુબઈ, અબુધાબી જેવા ગલ્ફ શહેરોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. તેની અસર ભારતીય એરલાઇન્સ પર પણ પડી છે અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. મુસાફરોને મુશ્કેલી પડી રહી છે અને કાર્ગો ટ્રાન્સપોર્ટ પણ અસરગ્રસ્ત બન્યો છે.
તેલ પુરવઠો અને ભારતની સ્થિતિ
OPECના સભ્ય દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઇરાક, UAE અને કુવૈત માટે એશિયન બજારોમાં તેલ પહોંચાડવાનો મુખ્ય માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ છે. ગયા વર્ષે ભારતે પોતાના કુલ ક્રૂડ ઓઇલ અને ગેસ પુરવઠાનો લગભગ 50% આ માર્ગ દ્વારા મેળવ્યો હતો. તાજેતરમાં ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીમાં થોડો ઘટાડો કરી મધ્ય પૂર્વ પર વધુ નિર્ભરતા વધારી છે, જે હાલની પરિસ્થિતિમાં જોખમી સાબિત થઈ શકે છે.
ભારતના અર્થતંત્ર પર સંભવિત અસરો
- જો આ તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો
- ક્રૂડ ઓઇલના ભાવમાં 3.6% કે તેથી વધુ વધારો થઈ શકે છે
- તેલના ભાવ $80 થી વધીને $110 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે
- ભારતનું તેલ આયાત બિલ વધશે, જેના કારણે વધુ ડોલર ખર્ચાશે
- ડોલર મજબૂત અને રૂપિયો નબળો પડી શકે છે
- ફુગાવામાં વધારો થવાથી રોજિંદી વસ્તુઓ મોંઘી બનશે
સોનું-ચાંદી અને શેરબજાર
અનિશ્ચિતતા વધતા રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરફ વળે છે. પરિણામે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. અંદાજ મુજબ
- સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1.90 લાખ સુધી
- ચાંદી પ્રતિ કિલો રૂ. 3.5 લાખ સુધી પહોંચી શકે છે
- શેરબજારમાં અસ્થિરતા વધશે અને વિદેશી રોકાણકારો પૈસા ઉપાડી શકે છે.
ભારત માટે આગળનો રસ્તો
ભારત માટે આવનારા દિવસોમાં ઊર્જા સુરક્ષા સૌથી મોટો પડકાર રહેશે. સરકારને વિકલ્પી તેલ સ્ત્રોતો શોધવા, વ્યૂહાત્મક તેલ ભંડારનો ઉપયોગ કરવા અને ફુગાવો કાબૂમાં રાખવા માટે ઝડપી નિર્ણય લેવા પડશે.
આ પણ વાંચો : Iran Israel War : મધ્ય પૂર્વ સંકટ, કેરળ માટેની 26 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ ખાલી