અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનેઇએ મુસ્લિમ દેશોના શાસકોને તેમના 'અસલ દુશ્મનને' ઓળખવા અને તેની વિરુદ્ધ એક થઈને લડવા માટે એક પ્રભાવશાળી અપીલ કરી છે. તેમના આ નિવેદનને કારણે પશ્ચિમ એશિયાનું રાજકીય અને લશ્કરી વાતાવરણ વધુ ગરમાયું છે.

મોજતબા ખામેનેઇએ અમેરિકા ઇઝરાયલને ગણાવ્યા દુશ્મન

ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના અહેવાલ મુજબ, તેહરાનમાં આયોજિત એક ધાર્મિક સંમેલનમાં મોકલેલા પત્રમાં મોજતબા ખામેનેઇ એ અમેરિકા અને ઈઝરાયેલને તમામ ઈસ્લામિક દેશોના મુખ્ય દુશ્મન તરીકે ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં તેમના પિતા સહિત ઈરાનના અનેક વરિષ્ઠ નેતાઓ માર્યા ગયા હતા, ત્યારથી મોજતબા ખામેનેઇ ભાગ્યે જ જાહેરમાં જોવા મળ્યા છે. હાલનો આ સંદેશ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેનો સંઘર્ષ ભીષણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

ગલ્ફમાં લશ્કરી ગતિવિધિઓ વધી

દરમિયાન, ગલ્ફ ક્ષેત્રમાં લશ્કરી ગતિવિધિઓ પણ ઝડપથી વધી છે. તાજેતરમાં જ અમેરિકી સેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના રોકેટ લોન્ચર અને લશ્કરી અડ્ડાઓને નિશાન બનાવીને ચોક્કસ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકી સેનાના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ઈરાની દળો દ્વારા દરિયાઈ માર્ગે જોખમી મિસાઈલો અને ખાણો નાખવાની તૈયારીઓને રોકવા માટે કરવામાં આવી હતી. આ હુમલામાં કેટલાક ઈરાની સૈનિકો અને નાગરિકોના જાનહાનિ થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.

અમેરિકા અને ઇરાન આમને સામને

અમેરિકાની આ સૈન્ય કાર્યવાહી સામે વળતો પ્રહાર કરતા ઈરાને જોર્ડન સ્થિત અમેરિકી લશ્કરી બેઝ તરફ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જોર્ડનની સૈન્યએ દાવો કર્યો હતો કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલી આઠેય મિસાઈલોને હવામાં જ સફળતાપૂર્વક તોડી પાડી હતી. ઈરાની મીડિયા દ્વારા આ મિસાઈલ પ્રક્ષેપણના દ્રશ્યો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર અંકુશ

ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર પર અંકુશ અને પાડોશી દેશોમાં યુએસ બેઝ પર હુમલાના કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી દહેશત ફેલાઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ આ સંઘર્ષની ઘાતક અસરો જોવા મળી રહી છે, ત્યારે મુજતબા ખમેનીની આ અપીલે મુસ્લિમ જગતમાં એક નવું રાજકીય સમીકરણ ઊભું કર્યું છે.

આ પણ વાંચોઃ  Bihar: નેપાળના પૂરથી હજારો વિશાળ માછલીઓ તણાઇને બિહાર આવી, લોકો જોઇને આશ્ચર્ય પામ્યા