વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની)માંથી જહાજોની સુરક્ષિત અવરજવર ફરી શરૂ કરવા માટે ઈરાન અને ઓમાને એક મોટો નિર્ણય લીધો છે. બંને દેશો આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર એક કામચલાઉ દરિયાઈ કોરિડોર (Navigation Corridor) બનાવવા માટે સહમત થયા છે. આ સિવાય બંને દેશો વચ્ચે આ રૂટ પરથી દરિયાઈ ખાણો (Sea Mines) દૂર કરવા અંગે પણ ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.
જળમાર્ગ પર પરિવહનનું જોખમ યથાવત
અમેરિકા સાથેના સતત તણાવ અને આર્થિક દબાણ વચ્ચે ઓમાન સાથેની આ બેઠકો અને વાટાઘાટો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહી હતી. મંગળવારે યોજાયેલી બેઠકમાં ઈરાન અને ઓમાને સંયુક્ત રીતે કામચલાઉ નેવિગેશનલ કોરિડોર સ્થાપવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તમામ ખાણો હટાવી લેવામાં આવી છે, તેમ છતાં અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ સુધી કોઈ કાયમી શાંતિ કરાર થયો ન હોવાથી આ જળમાર્ગ પર પરિવહનનું જોખમ હજુ પણ બરકરાર છે.
ઓઇલ ટેન્કર પર હુમલો અને વધતો તણાવ
શાંતિના પ્રયાસો વચ્ચે મંગળવારે ઓમાનના એશ શિશાહ વિસ્તારથી લગભગ 9 નોટિકલ માઇલ (અંદાજે 17 કિમી) ઉત્તરપૂર્વમાં એક અજાણ્યા પ્રક્ષેપાસ્ત્ર કે ગોળા દ્વારા ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો. યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સના જણાવ્યા અનુસાર, આ હુમલા બાદ ટેન્કરની ગતિ રોકાઈ ગઈ હતી. બીજી તરફ, યુએસ સિક્રેટ સર્વિસે ઈરાની સરકારી ટીવી પર પ્રસારિત એક વીડિયો બાબતે ચેતવણી આપી છે, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર બેરોન ટ્રમ્પની હત્યાના કથિત કાવતરા અને તેના પર ઇનામ રાખવાની ચર્ચા કરવામાં આવી હતી.
અમેરિકી દબાણ અને રાજકીય અસરો
અમેરિકાએ ઈરાનના અર્થતંત્ર પર દબાણ વધારવા માટે વેપાર કરનાર દેશોને સજા કરવાની ચીમકી આપી છે, જોકે હાલ તુરંત કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા નથી. તણાવને ધ્યાનમાં રાખીને યુએસે મધ્ય પૂર્વમાં આવેલા પોતાના કેટલાક દૂતાવાસોમાંથી સ્ટાફ પાછો બોલાવવાનું શરૂ કર્યું છે. આ સંઘર્ષની સીધી અસર અમેરિકી રાજકારણ પર પણ પડી રહી છે. રોઇટર્સ/ઇપ્સોસના સર્વે મુજબ, આ યુદ્ધ માટે જાહેર સમર્થન અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે, જે આગામી નવેમ્બરમાં યોજાનારી યુએસ કોંગ્રેસની ચૂંટણીઓ પર અસર કરી શકે છે. આ સંઘર્ષમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, અને અમેરિકા-ઇઝરાયલે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને નુકસાન પહોંચાડ્યું છે, છતાં પરમાણુ કાર્યક્રમની સ્થિતિ હજુ અસ્પષ્ટ છે.
આ પણ વાંચોઃ Ukraine Independence Day: યુક્રેનના સ્વતંત્રતા પર્વ પર રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવી શુભેચ્છા,ઝેલેન્સકીએ માન્યો આભાર