અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનની પરમાણુ સુવિધાઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા હુમલાઓ છતાં ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેનો સંઘર્ષ શાંત થયો નથી. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાન ફરી એકવાર મજબૂતીથી ઉભરી રહ્યું છે અને તેણે પોતાના વિવાદિત પરમાણુ તથા બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને પુનર્જીવિત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. નિવૃત્ત યુએસ ફોર-સ્ટાર જનરલ જેક કીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે ઈરાને તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓ જરાય છોડી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટાડવાના તમામ પ્રયાસો વચ્ચે પણ ઈરાન પોતાની ક્ષમતાઓને પુનઃસ્થાપિત કરવા સતત કામ કરી રહ્યું છે.

સેટેલાઇટ તસવીરોથી સપાટી પર આવ્યો મોટો ખુલાસો

વાયરલ થયેલી તાજેતરની સેટેલાઇટ તસવીરોમાં ઈરાનની અત્યંત સંવેદનશીલ પરમાણુ અને લશ્કરી સાઇટ્સ પર મોટા પાયે બાંધકામ અને કિલ્લેબંધી થતી જોવા મળી છે. ખાસ કરીને નટાન્ઝ (Natanz) પરમાણુ સુવિધા નજીક આવેલા 'પિકેક્સ માઉન્ટેન' (Pickaxe Mountain) સંકુલ ખાતે નોંધપાત્ર પ્રવૃત્તિઓ દસ્તાવેજીકૃત થઈ છે. આ ભૂગર્ભ સંકુલ જમીનની સપાટીથી આશરે ૩૦૦ ફૂટ કરતાં પણ વધુ ઊંડાઈએ આવેલું છે, જે તેને કોઈપણ હવાઈ કે લશ્કરી હુમલા સામે અત્યંત સુરક્ષિત બનાવે છે.

iran nuclear program


અમેરિકા દ્વારા ઈરાનને 'બદમાશ શાસન' ગણાવ્યું

મીડિયાને આપેલા એત એક ખાસ ઇન્ટરવ્યુમાં જનરલ કીએ ઈરાનને અત્યંત ખતરનાક અને બદમાશ શાસન તરીકે ઓળખાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે પરમાણુ શસ્ત્રો વિકસાવવા એ તેહરાન શાસનની મૂળ ઓળખ બની ચૂકી છે. મીડિયા રિપોર્ટના અહેવાલો મુજબ, ઈરાન પોતાની પરમાણુ સુવિધાઓ અને તેના નાણાકીય માળખા સાથે જોડાયેલા ક્ષેત્રોની સુરક્ષા વધુ મજબૂત બનાવી રહ્યું છે. પોતાના વિરોધીઓ તરફથી મળતા પડકારો અને જોખમોને ધ્યાનમાં રાખીને, તેહરાને મિસાઈલ વિકાસને ઝડપી બનાવીને કડક પ્રતિકાર કરવાની વ્યૂહરચના અપનાવી છે.