ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના દેશોની હાજરી અને ગેરહાજરીએ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) ના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. છ સભ્યો ધરાવતા આ શક્તિશાળી સંગઠનમાંથી માત્ર ત્રણ દેશોએ જ પોતાના સત્તાવાર પ્રતિનિધિઓ તેહરાન મોકલ્યા હતા, જ્યારે બાકીના ત્રણ દેશો આ આખા આયોજનથી દૂર રહ્યા હતા.
કયા GCC દેશો સામેલ થયા?
સાઉદી અરેબિયા, ઓમાન અને કતારે પોતાના ઉચ્ચ સ્તરીય ડેલિગેશન મોકલીને ખામેનેઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સાઉદી અરેબિયાએ તેના નાયબ વિદેશ મંત્રી વલીદ અલ-ખુરેજીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. થોડા મહિનાઓ પહેલા જ સાઉદીએ ઈરાનને ખાડી દેશો પર હુમલા રોકવાની અપીલ કરી હોવા છતાં, આ પગલાને બંને દેશો વચ્ચે સંવાદ જાળવી રાખવાના સંકેત તરીકે જોવામાં આવે છે. ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિકના નિર્દેશ પર સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ શેખ અબ્દુલ મલિક અલ ખલીલી તેહરાન પહોંચ્યા હતા. ઓમાન લાંબા સમયથી ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવતું આવ્યું છે. જ્યારે કતાર તરફથી શૂરા કાઉન્સિલના સ્પીકર હસન બિન અબ્દુલ્લા અલ ઘાનિમે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશકિયન સાથે મુલાકાત કરી શોક વ્યક્ત કર્યો હતો.
