પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકા દ્વારા હિંદ મહાસાગરમાં ઈરાની જહાજ ડૂબાડ્યા બાદ, જેમાં 80 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા, ઈરાને તેનો અત્યાર સુધીનો સૌથી મોટો અને વ્યૂહાત્મક વળતો હુમલો કર્યો છે. ઈરાની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કતારમાં સ્થિત અમેરિકાના અત્યંત સંવેદનશીલ સૈન્ય થાણાને નિશાન બનાવીને અમેરિકાની મિસાઈલ ચેતવણી પ્રણાલીનો નાશ કર્યો છે.

અમેરિકાની "આંખ" પર સીધો પ્રહાર

આ હુમલામાં અમેરિકાની AN/FPS-132 (બ્લોક 5) નામની બેલિસ્ટિક મિસાઇલ અર્લી વોર્નિંગ રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવી છે. આશરે $1.1 બિલિયન (અંદાજે 9,000 કરોડ રૂપિયા) ની કિંમત ધરાવતી આ સિસ્ટમ આખા મધ્ય પૂર્વમાં અમેરિકાની "આંખ" તરીકે ઓળખાતી હતી. આ રડાર સિસ્ટમ ઈરાન કે અન્ય કોઈ દેશ દ્વારા છોડવામાં આવેલી મિસાઈલની વહેલી ચેતવણી આપતી હતી. આ સિસ્ટમના વિનાશથી હવે આ ક્ષેત્રમાં અમેરિકાની હુમલાઓને રોકવાની અને ઓળખવાની ક્ષમતા નબળી પડી છે.

કેમ મહત્વની હતી આ સિસ્ટમ?

આ રડારની રેન્જ 5,000 કિલોમીટર જેટલી પ્રચંડ હતી. રેથિઓન કંપની દ્વારા વિકસિત આ સિસ્ટમ કતારમાં તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે ઈરાન, ઈરાક, સીરિયા, તુર્કી અને મધ્ય એશિયાના મોટા ભાગ પર નજર રાખી શકતી હતી. આટલું જ નહીં, તે હિંદ મહાસાગરમાં થતી હલચલને પણ ટ્રેક કરવામાં સક્ષમ હતી. આ સિસ્ટમનો નાશ થવો એ અમેરિકા માટે માત્ર આર્થિક જ નહીં, પણ લશ્કરી રીતે પણ મોટો ફટકો છે.

સેટેલાઇટ તસવીરોએ ખોલી પોલ

ઈરાનના આ હુમલાની તીવ્રતાનો અંદાજ પ્લેનેટ લેબ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ છબીઓ પરથી લગાવી શકાય છે. આ તસવીરોમાં અમેરિકન બેઝ પર થયેલું વ્યાપક નુકસાન અને રડાર સિસ્ટમની આસપાસ લાગેલી આગના નિશાનો સ્પષ્ટ દેખાય છે. હુમલા બાદ ત્યાં લાંબા સમય સુધી અગ્નિશામક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું પણ તસવીરોમાં કેપ્ચર થયું છે.


  • Follow us on: