મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર નવેસરથી ભીષણ લશ્કરી હુમલા કરવાની ખુલ્લી ચેતવણીઓ વચ્ચે, ઈરાની સેનાએ અમેરિકાના અત્યાધુનિક MQ-9 રીપર ડ્રોનને તોડી પાડીને મોટો પલટવાર કર્યો છે. ઈરાની વાયુ સંરક્ષણ પ્રણાલી (Air Defence System) એ દક્ષિણ બંદર શહેર બંદર અબ્બાસ નજીક આ જાસૂસી ડ્રોનને અટકાવી તેનો સદંતર નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. તાજેતરના મહિનાઓમાં ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલું આ ૫૪મું અમેરિકી ડ્રોન છે, જેને યુએસ મિલિટરી માટે મોટો ઝટકો અને ઈરાનની સૈન્ય તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.
બંદર અબ્બાસ અને હોર્મુઝ સ્ટ્રેટમાં એર ડિફેન્સનો સપાટો
ઈરાની સેનાના સત્તાવાર નિવેદન અનુસાર રવિવારે ઈરાની સૈન્યના એર ડિફેન્સ યુનિટ્સે બંદર અબ્બાસ શહેરના વ્યૂહાત્મક એરસ્પેસમાં ઘૂસેલા અમેરિકી ડ્રોનનું લોકેશન ટ્રેસ કરીને મિસાઈલ દ્વારા તેને તોડી પાડ્યું હતું.સૈન્યના દાવા મુજબ તાજેતરના મહિનાઓમાં ઈરાની સુરક્ષા દળોએ કુલ ૫૪ અમેરિકન ડ્રોનને તોડી પાડ્યા છે.અગાઉ આ જ સપ્તાહની શરૂઆતમાં, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પણ વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ ઉપર અમેરિકી સૈન્યના અબજો રૂપિયાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવાની જાહેરાત કરી હતી.
‘બીજું એક નાનું એપિક ફ્યુરી ઓપરેશન ચલાવી શકીએ છીએ’
ફ્લોરિડાના ફોર્ટ માયર્સમાં એક મોટી ચૂંટણી સભાને સંબોધતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું કે જો તેહરાન સમયસર સમાધાન નહીં કરે, તો યુએસ સેના બીજો મોટો લશ્કરી હુમલો કરવા માટે સક્ષમ અને તૈયાર છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "આપણે બીજું એક નાનું 'એપિક ફ્યુરી' (Epic Fury) સૈન્ય અભિયાન ચલાવી શકીએ છીએ અથવા તો તેઓ ટેબલ પર આવીને સોદો સ્વીકારી શકે છે. જો તેઓ હોશિયાર હશે તો કહેશે કે ચાલો સીધી વાત કરીએ."યુએસ પ્રમુખે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનને આર્થિક, લશ્કરી અને રાજદ્વારી તમામ મોરચે ઘેરી લીધું છે અને હવે આ કામને આખરી અંજામ સુધી પહોંચાડવાની તૈયારી છે. જોકે, સંભવિત હુમલાને ટાળવા માટે ઈરાને પરમાણુ શસ્ત્રો ત્યજવા સહિત કઈ કઈ શરતો માનવી પડશે તેની ચોક્કસ રૂપરેખા ટ્રમ્પે હજુ જાહેર કરી નથી.
અમેરિકી રાજદ્વારીઓ પર જોખમ
અમેરિકી ગુપ્તચર એજન્સીના ટોચના અધિકારીએ યુએસ વિદેશ સચિવ માર્કો રુબિયોને એલર્ટ આપ્યું છે કે ઈરાને અમેરિકી સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓને નિશાન બનાવવાના પ્રયાસો અત્યંત તેજ કરી દીધા છે.ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર અમેરિકી અધિકારીઓ વિરુદ્ધ ઘાતક કાવતરાં હાલ અદ્યતન તબક્કામાં હોવાની ભીતિ છે.પરિસ્થિતિની ગંભીરતા જોતાં વોશિંગ્ટને તાત્કાલિક સાઉદી અરેબિયામાંથી પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે અને ખાડી વિસ્તારના અન્ય દેશોમાં આવેલા અમેરિકી દૂતાવાસોમાં સ્ટાફની સંખ્યામાં ધરખમ ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: Surat: PM મોદીને સતત અપશબ્દો બોલવા એ જ કોંગ્રેસના સંસ્કાર છે?’ ખડગેના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષનો પ્રહાર