ઈરાને કહ્યું છે કે, યુક્રેનની કાર્યવાહીનો જવાબ છોડવામાં આવશે નહીં. ઈરાને આને યુએન ચાર્ટરનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.
ઈરાનના વિદેશ પ્રધાનની પ્રતિક્રિયા
કેસ્પિયન સમુદ્રમાં ઈરાની વ્યાપારી જહાજ પર હુમલા બાદ, ઈરાને યુક્રેન પર ગંભીર આરોપો લગાવ્યા છે. ઈરાને કહ્યું છે કે તે આ હુમલાને હળવાશથી લેશે નહીં અને યોગ્ય સમયે અને રીતે આ ઘટનાનો જવાબ આપશે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ યુરોપિયન યુનિયનના ઉચ્ચ પ્રતિનિધિ કાજા કલ્લાસ અને રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ સાથે ફોન પર વાતચીત કર્યા બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કડક પ્રતિક્રિયા આપી હતી.
ઈરાની જહાજ પર હુમલો
ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે વહેલી સવારે, યુક્રેનિયન દળોએ કેસ્પિયન સમુદ્રમાં ઈરાની ધ્વજવાળા વાણિજ્યિક જહાજને નિશાન બનાવ્યું હતુ. આ જહાજ રશિયન બંદર આસ્ટ્રાખાનથી ઈરાની બંદર અંઝાલી તરફ જઈ રહ્યું હતું. હુમલામાં જહાજનો કંટ્રોલ રૂમ સંપૂર્ણપણે નાશ થયો હતો. તેમાં સવાર એક નાવિકનું મોત થયું હતું, અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઈરાને યુક્રેનને શું ચેતવણી આપી ?
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે ઈરાન આ હુમલાને હળવાશથી નહીં લે. તેમણે કહ્યું કે આ ઘટનાનો યોગ્ય સમયે અને યોગ્ય રીતે જવાબ આપવામાં આવશે. ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ આ ઘટના પર ધ્યાન આપવા અને નિંદા કરવા અપીલ કરી છે.
ઘટનાની શું થશે અસર ?
આ ઘટના એવા સમયે બની જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ પહેલાથી જ ઘણા દેશોને અસર કરી રહ્યું હતું. દરમિયાન, ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે લશ્કરી તણાવ ચાલુ છે. ઈરાની જહાજ પર યુક્રેનનો હુમલો યુરોપ સહિત ઘણા અન્ય દેશોને મોટા લશ્કરી સંઘર્ષના કેન્દ્રમાં મૂકી શકે છે. આનાથી પ્રાદેશિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર પણ અસર પડી શકે છે. અત્યાર સુધી, ઈરાનના આરોપો પર યુક્રેન તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
આ પણ વાંચોઃ પ્રોટીનની ઉણપ દૂર કરશે આ 5 દેશી નાસ્તા, મોંઘા સપ્લીમેન્ટ્સની નહીં પડે જરૂર
