અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાનની સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બદલામાં 50 મિલિયન યુરો (આશરે ₹558 કરોડ)નું મોટું ઈનામ આપવાનો પ્રસ્તાવ પોતાની સંસદમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ સનસનાટીપૂર્ણ દાવો સામે આવ્યા બાદ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

'કાઉન્ટર-એક્શન' પ્લાન તૈયાર

ઈરાન વાયરના અહેવાલ મુજબ, ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અઝીઝીએ જાહેરાત કરી છે કે ઈસ્લામિક રિપબ્લિકની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા 'કાઉન્ટર-એક્શન' (જવાબી કાર્યવાહી) નામની યોજનાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં સત્તાવાર રીતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ કે સંગઠન ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના મિશનને સફળ બનાવશે, તેને ઈરાન સરકાર આશરે ₹558 કરોડનું ઈનામ આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલી રહેશે.

નેતન્યાહુ અને સેન્ટકોમ ચીફ પણ નિશાના પર

ઈબ્રાહિમ અઝીઝીએ સરકારી ટેલિવિઝન પર વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, આ જવાબી કાર્યવાહીમાં માત્ર ડૉનાલ્ડ ટ્રમ્પ જ નહીં, પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના કમાન્ડરને પણ નિશાન બનાવવામાં આવવા જોઈએ. ઈરાનનો આરોપ છે કે આ નેતાઓ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાના કાવતરામાં સામેલ હતા, તેથી તેમની સામે જવાબી કાર્યવાહી કરવી એ ઈરાનનો અધિકાર છે.

આ દરમિયાન 'હંડાલા' નામના એક કથિત હેકિંગ ગ્રુપે પણ દાવો કર્યો છે કે તેમણે ટ્રમ્પ અને નેતન્યાહુના ખાતમા માટે 50 મિલિયન ડૉલરનું ફંડ પહેલેથી જ આપી દીધું છે. આ ગ્રુપનું કહેવું છે કે જે કોઈ પણ આ ઓપરેશન પાર પાડશે તેને સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ ચેનલો દ્વારા આ રકમ ચૂકવવામાં આવશે. આ સિવાય, માર્ચ મહિનામાં ઈરાનમાં લાખો મોબાઈલ યુઝર્સને 'કિલ ટ્રમ્પ' કેમ્પેઈન અંતર્ગત ઈન્ટરનેશનલ મેસેજ પણ મોકલવામાં આવ્યા હોવાના પુરાવા સામે આવ્યા છે.

ઈરાન સંસદમાં લાવવામાં આવી રહેલા આ બિલને કારણે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સંભાવનાઓ વધુ પ્રબળ બની ગઈ છે અને અમેરિકા આ મામલે કેવું કડક વલણ અપનાવે છે તેના પર આખી દુનિયાની નજર છે.

આ પણ વાંચો:Hantavirus: હંતાવાયરસ શરીરમાં કેટલો સમય રહે છે, WHOએ આપ્યુ મોટુ અપડેટ