મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને સ્થિતિ ગંભીર બની ગઈ છે. બુધવારે વહેલી સવારે ઈરાને દાવો કર્યો છે કે તેણે કુવૈત, ઈરાક અને બહેરીનમાં આવેલા અમેરિકી (US) સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવીને એકસાથે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલા બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
કુવૈતમાં જોરદાર ધડાકા, એર ડિફેન્સ એક્ટિવ
બુધવારે વહેલી સવારે કુવૈતમાં સ્થાનિક લોકોએ જોરદાર ધડાકાના અવાજો સાંભળ્યા હતા. કુવૈતની સેનાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, તેમના એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનની મિસાઈલો અને ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. લોકોને સંભળાયેલા અવાજો આ ઈન્ટરસેપ્શન ઓપરેશનના હતા. સેનાએ નાગરિકોને અપીલ કરી છે કે જો ક્યાંય પણ મિસાઈલ કે ડ્રોનનો કાટમાળ જોવા મળે, તો તેને અડકવું નહીં અને તાત્કાલિક ઈમરજન્સી નંબર પર જાણ કરવી.
અમેરિકાએ ઈરાનનો દાવો ફગાવ્યો
બીજી તરફ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઈરાનના આ દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ઈરાને દાવો કર્યો હતો કે તેણે બહેરીનમાં યુએસ નેવીના પાંચમા બેડાના મુખ્યાલય અને એરબેઝને નિશાન બનાવ્યું છે. જોકે, સેન્ટકોમે સ્પષ્ટ કર્યું કે તમામ હવાઈ જોખમોને સમયસર રોકી દેવામાં આવ્યા છે અને અમેરિકાના કોઈપણ સૈન્ય બેઝને નુકસાન થયું નથી.
ઈરાને કેમ કર્યો હુમલો?
ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ IRIB ના જણાવ્યા અનુસાર, પર્શિયન ગલ્ફ, હોર્મુઝ સ્ટ્રેટ અને કેશ્મ આઈલેન્ડની આસપાસ અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. હુમલા બાદ બહેરીનના ગૃહ મંત્રાલયે પણ ચેતવણીના સાયરન વગાડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળોએ આશરો લેવા જણાવ્યું છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.
આ પણ વાંચો:US Trade Action: ભારત પર ફરી ટેરિફ લગાવશે ટ્રમ્પ? લિસ્ટમાં ચીન અને બાંગ્લાદેશનું નામ