અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ચોંકાવતા સંકેત આપ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લાંબો સંઘર્ષ હવે તેના અંતિમ તબક્કામાં છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકા ઈરાનમાંથી પોતાનું સૈન્ય અભિયાન પાછું ખેંચી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રમ્પના મતે આ માટે ઈરાન સાથે કોઈ ઔપચારિક શાંતિ કરાર થવો અનિવાર્ય નથી.

પરમાણુ શસ્ત્રો અટકાવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનો હતો, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મારો ધ્યેય ક્યારેય શાસન પરિવર્તન (Regime Change) નહોતો, પરંતુ માત્ર પરમાણુ શસ્ત્રો પર રોક લગાવવાનો હતો. આજે ઈરાન એવી સ્થિતિમાં નથી કે તે પરમાણુ હથિયાર વિકસાવી શકે. ટ્રમ્પના મતે ઈરાનનું વર્તમાન નેતૃત્વ અગાઉ કરતા વધુ સમજદારી બતાવી રહ્યું છે, જેના કારણે યુદ્ધ ચાલુ રાખવાનું હવે કોઈ તાર્કિક કારણ રહ્યું નથી.

હોર્મુઝ સ્ટ્રેટ: સાથી દેશોને સ્પષ્ટ ચેતવણી

પોતાની પરિચિત શૈલીમાં ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય તેલ વેપાર માટે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ બાબતે પણ આકરું વલણ અપનાવ્યું છે. વિશ્વના ૨૦% તેલનો પુરવઠો જ્યાંથી પસાર થાય છે તે દરિયાઈ માર્ગની સુરક્ષા અંગે તેમણે કહ્યું કે, "હવે આ જળમાર્ગનું રક્ષણ કરવું એ અમેરિકાની જવાબદારી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચીન, ફ્રાન્સ અને અન્ય રાષ્ટ્રોને કહી દીધું છે કે જે દેશો આ માર્ગ પર નિર્ભર છે, તેઓ પોતે જઈને પોતાના તેલના જહાજોની સુરક્ષા કરે.

નવી વૈશ્વિક વ્યવસ્થાનો સંકેત

ટ્રમ્પના આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હવે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ બીજા દેશોના સંઘર્ષોમાંથી બહાર નીકળવા માંગે છે. જો આગામી 20-25 દિવસમાં અમેરિકી સેના ઈરાન સામેનું અભિયાન સમેટી લેશે, તો પશ્ચિમ એશિયામાં શક્તિનું સંતુલન ખોરવાઈ શકે છે. ખાસ કરીને તેલના ભાવ અને સુરક્ષા માટે હવે ચીન અને યુરોપિયન દેશોએ મેદાનમાં આવવું પડશે.