કુવૈતે ઈરાની હુમલા બાદ શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવા માટે સ્થાનિકોને સલાહ આપી છે. ડ્રોન હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
ટર્મિનલ બિલ્ડિંગને નુકસાન
ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે કુવૈતને સુરક્ષા બાબતે ઝટકો લાગ્યો છે. કુવૈતના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક, કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પેસેન્જર ટર્મિનલ 1 ને અનેક ડ્રોન હુમલાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ટર્મિનલ બિલ્ડિંગને નોંધપાત્ર નુકસાન થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સઉદ અબ્દુલઅઝીઝ અલ-ઓતૈબીએ જણાવ્યું હતું કે, ડ્રોન હુમલાથી એરપોર્ટ પર ગભરાટ ફેલાયો હતો.
બચાવ પ્રક્રિયા કરાઇ શરુ
હુમલાની માહિતી મળતા જ તાત્કાલિક કટોકટી સેવાઓ, બચાવ ટીમો અને તબીબી ટીમોને સક્રિય કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ અસરગ્રસ્ત વિસ્તારને ઘેરી લીધો છે અને ઘટનાસ્થળે વિગતવાર તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો અને નુકસાન કેટલું થયું તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.
કુવૈત નાગરિકોને સલાહ
આ ઘટના એવા સમયે બની છે. જ્યારે સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નાગરિક લક્ષ્યો પર હુમલાઓ પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે. દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે, તેણે યુએસ સામે બદલો લેવા માટે આ પ્રદેશમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. જોકે, કુવૈતે જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષા તેની ટોચની પ્રાથમિકતા છે અને તે દેશની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે. કુવૈતે નાગરિકોને ધાતુના કાટમાળ અને શંકાસ્પદ વસ્તુઓથી દૂર રહેવાની સલાહ આપી છે.
આ પણ વાંચોઃ અમેરિકા અને કેનેડામાં ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ કેન્સલ, રસ્તા પર જોવા મળ્યા પ્રદર્શનો













