જ્યારે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના યુદ્ધે વિશ્વના મોટા દેશોને આર્થિક મંદી અને મોંઘવારીના ઉંબરે લાવી દીધા છે, ત્યારે દક્ષિણ અમેરિકાનો એક નાનકડો દેશ 'ગયાના' વૈશ્વિક અર્થતંત્રમાં આશ્ચર્યજનક છલાંગ લગાવી રહ્યો છે. માત્ર છ વર્ષ પહેલાં તેલ ઉત્પાદન શરૂ કરનાર આ દેશ આજે વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે
આવકમાં જંગી ઉછાળો
વર્લ્ડ બેંક અને 'ધ ઇકોનોમિસ્ટ'ના તાજેતરના આંકડાઓ અનુસાર, ગયાનાની તેલની આવકમાં અભૂતપૂર્વ વધારો થયો છે. યુદ્ધ પૂર્વે જે આવક દર અઠવાડિયે $370 મિલિયન હતી, તે હવે વધીને $623 મિલિયન સુધી પહોંચી ગઈ છે. આ કમાણી પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ છે. યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી કટોકટી પછી, તેલના ભાવ $62 પ્રતિ બેરલથી વધીને $108 ને પાર કરી ગયા છે. ગયાનાએ પણ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારીને 92 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરી છે, જે ટૂંક સમયમાં 1 મિલિયન બેરલ સુધી પહોંચવાની તૈયારીમાં છે.
નફાનું જાદુઈ સૂત્ર
ગયાનાની તેલ નીતિ આ નફામાં મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં વિદેશી કંપનીઓ કુલ ઉત્પાદનના 75% હિસ્સો પોતાના ખર્ચ પેટે રાખે છે, જ્યારે ગયાનાને 14.5% નફો અને રોયલ્ટી મળે છે. જોકે, ઊંચા ભાવોને કારણે કંપનીઓ તેમનો રોકાણ ખર્ચ ઝડપથી વસૂલ કરી રહી છે. એકવાર આ ખર્ચ પૂરો થઈ જશે એટલે ગયાનાનો નફો સીધો 50% વધી જશે. નિષ્ણાતોના મતે ગયાના આ વર્ષે અંદાજ કરતા $4 અબજ વધુ કમાણી કરશે.
વિકાસ અને જનકલ્યાણ
ગયાના સરકાર આ તોતિંગ આવકનો ઉપયોગ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કરી રહી છે. દેશભરમાં નવા રસ્તાઓ, શાળાઓ અને અત્યાધુનિક હોસ્પિટલોનું નિર્માણ થઈ રહ્યું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સરકારે દેશના દરેક પુખ્ત નાગરિકને $500 (આશરે ₹42,000) નું રોકડ બોનસ આપવાની જાહેરાત કરી છે. લાંબા સમય સુધી ગરીબીમાં રહેલા આ દેશ માટે આ રકમ જીવનધોરણ બદલનારી સાબિત થઈ રહી છે.
ભવિષ્યનું આયોજન
માત્ર વર્તમાન જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ સરકારે 'નેચરલ રિસોર્સિસ ફંડ'ની સ્થાપના કરી છે, જેમાં અત્યાર સુધીમાં $3.8 બિલિયન એકઠા થયા છે. 2020 થી સરેરાશ 40.9% ના વાર્ષિક વિકાસ દર સાથે ગયાના આજે વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આમ, ઈરાન યુદ્ધે ગયાના માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલી દીધા છે.
આ પણ વાંચોઃ તેલ વેચે છે પરંતુ તેનો પોતે જ ઉપયોગ નથી કરતો આ દેશ,કારણ જાણીને ચોંકી ઉઠશો!