અમેરિકા દ્વારા ઈરાની એરલાઈન્સ સામે કડક પ્રતિબંધો લાગુ કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રે મોટો હલચલ મચી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ચેતવણી આપી છે કે ઈરાની એરલાઈન્સને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સથી રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. આ સાથે જ ઈરાની વિમાનોને ઇંધણ કે લેન્ડિંગ જેવી સેવાઓ આપતી વિદેશી કંપનીઓ સામે પણ યુએસ કાર્યવાહીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ વૈશ્વિક દબાણ વચ્ચે હવે સૌની નજર ભારત પર ટકેલી છે કે શું ભારત પણ આ પ્રતિબંધોનું પાલન કરશે કે નહીં.

વિવિધ દેશોની પ્રતિક્રિયાઓ અને ઈરાકની સખ્તાઈ

અમેરિકાના આ આદેશ બાદ કેટલાક દેશોએ તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે. ઇરાકે બગદાદ એરપોર્ટ પર ઈરાની ફ્લાઇટ્સ પર રોક લગાવી દીધી છે, જ્યારે ઓમાને અગાઉથી જ મહાન એરની ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત, જ્યોર્જિયાએ પણ પોતાના હવાઈ ક્ષેત્રમાં ઈરાની વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તુર્કીની વિનંતીને પગલે મહાન એરે પણ પોતાની ફ્લાઇટ્સ રોકી દીધી છે. જોકે, ચીને અમેરિકાના આ એકપક્ષીય પ્રતિબંધોને "ગેરકાયદેસર" ગણાવીને ફગાવી દીધા છે અને રશિયા તથા ચીને હજુ સુધી આ પ્રતિબંધો સ્વીકાર્યા નથી.

ભારત માટે શા માટે છે કઠિન પરિસ્થિતિ?

ભારત માટે આ પરિસ્થિતિ અત્યંત જટિલ અને પડકારજનક છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો છે, તો બીજી તરફ ઈરાન સાથે પણ ભારતના લાંબા સમયથી વેપારી અને રાજદ્વારી સંબંધો રહેલા છે. હાલમાં મહાન એર અને ઈરાન એર ભારત અને તેહરાન વચ્ચે સેવાઓ આપી રહી છે. માર્ચ ૨૦૨૬ સુધીના આંકડાઓ અનુસાર, કનેક્ટિંગ ફ્લાઇટ્સ સહિત મોટી સંખ્યામાં મુસાફરો આ રૂટનો ઉપયોગ કરે છે. ભારત સરકારે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી, પરંતુ અમેરિકાની આ ચેતવણીથી ભારતની આર્થિક અને વિદેશ નીતિ પર મોટી અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ ચંદ્ર પર જ્યારે માનવી જાય ત્યારે તેનું વજન થઇ જાય છે આટલું! જાણીને તમે પણ ચોંકી જશો