અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યો છે. ઈરાનમાં સરકાર વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેને લઈને અમેરિકા અને ઈઝરાયલ ખુલ્લેઆમ પ્રદર્શનકારીઓનું સમર્થન કરી રહ્યા છે. આ બાબત ઈરાન સરકાર માટે આંતરિક સુરક્ષા અને સત્તા માટે મોટો પડકાર બની છે.


આ નિવેદન બાદ ઇરાન આક્રમક

અમેરિકાએ તાજેતરમાં કહ્યું હતું કે જો ઈરાન સરકાર શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર કડક કાર્યવાહી કરશે, તો અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. આ નિવેદન પછી ઈરાન વધુ આક્રમક બની ગયું છે. ઈરાનના સેના પ્રમુખ મેજર જનરલ અમીર હતામીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો અમેરિકા તરફથી કોઈ ખતરો ઉભો થશે, તો ઈરાન ફક્ત શબ્દોથી નહીં પરંતુ લશ્કરી કાર્યવાહીથી જવાબ આપશે.

 “પ્રી-એમ્પ્ટીવ સ્ટ્રાઈક”

7 જાન્યુઆરીના રોજ આપેલી ચેતવણીમાં અમીર હતામીએ “પ્રી-એમ્પ્ટીવ સ્ટ્રાઈક” એટલે કે આગોતરા હુમલાની વાત કરી હતી. તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી ધમકીઓને સીધો જવાબ આપતાં કહ્યું કે ઈરાન પોતાની સુરક્ષા માટે કોઈપણ પગલું ભરવામાં સંકોચ નહીં કરે.

પ્રી-એમ્પ્ટીવ સ્ટ્રાઈક એટલે શું?

આગોતરા હુમલાનો અર્થ એ થાય છે કે કોઈ દેશ પર હુમલો થવાના પહેલા જ તે દેશ પોતાના બચાવ માટે લશ્કરી કાર્યવાહી કરે. આ પ્રકારના હુમલાઓનો હેતુ સંભવિત ખતરાને શરૂઆતમાં જ નાબૂદ કરવાનો હોય છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં તેને સ્વ-રક્ષણના અધિકાર તરીકે પણ જોવામાં આવે છે, જોકે આ વિષય વિવાદાસ્પદ છે.

વિશ્વની અર્થવ્યવસ્થા પર અસર

જો ઈરાન વાસ્તવમાં આગોતરો હુમલો કરે છે, તો તેનો સૌથી મોટો પ્રભાવ હોર્મુઝ સ્ટ્રેટ પર પડી શકે છે. આ માર્ગ વિશ્વના તેલ પુરવઠા માટે અત્યંત મહત્વનો છે. અહીંથી દુનિયાનું મોટું પ્રમાણમાં તેલ પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે અને તેલના ભાવોમાં ભારે ઉછાળો આવી શકે છે. આ પરિસ્થિતિ માત્ર અમેરિકા અને ઈરાન સુધી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. તેથી વૈશ્વિક સ્તરે આ સંઘર્ષ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : World News : ટ્રમ્પે જેને “કોકેઈન દાણચોર” કહ્યું, તેને હવે વ્હાઇટ હાઉસનું આમંત્રણ કેમ?


  • Follow us on: