મધ્ય પૂર્વમાં પહેલાથી જ વણસેલી પરિસ્થિતિ હવે અત્યંત સ્ફોટક તબક્કે પહોંચી ગઈ છે. ઈરાનના શક્તિશાળી અર્ધલશ્કરી દળ, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ રવિવારે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકાના અત્યાધુનિક F-16 ફાઇટર જેટ અને હાઇ-ટેક MQ-9 ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા છે. આ સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની આશંકાઓ વધુ ઘેરી બની છે.

અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પડાયાનો દાવો

ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના અહેવાલ આધારિત આ કાર્યવાહી ઈરાની નાગરિકો અને તેના ઔદ્યોગિક એકમો પર કરવામાં આવેલા સતત હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. IRGC એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે ચૂપ બેસશે નહીં અને તેમના સાર્વભૌમત્વ પર થતા દરેક હુમલાનો વળતો જવાબ આપશે. IRGC ના દાવા મુજબ, દક્ષિણ ઈરાનના શિરાઝ શહેર ઉપર ઉડતા અમેરિકન MQ-9 ડ્રોનને ચોકસાઈપૂર્વક નિશાન બનાવી જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. તે જ સમયે, અમેરિકાના ગૌરવ સમાન F-16 ફાઇટર જેટ પર પણ હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યાનો દાવો કરાયો છે.

ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓને પણ બનાવાયા નિશાન

માત્ર વિમાનો જ નહીં, પરંતુ ઈરાને "કબજા હેઠળના પ્રદેશો" માં આવેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય ઠેકાણાઓને પણ મિસાઇલો દ્વારા નિશાન બનાવ્યા હોવાનું જાહેર કર્યું છે. આ આક્રમક વલણ દર્શાવે છે કે ઈરાન હવે અમેરિકા સાથે સીધી ટક્કર લેવા માટે તૈયાર છે.

હજુ સુધી અમેરિકા દ્વારા કોઇ પુષ્ટિ કે નિવેદન નથી અપાયું

આટલા ગંભીર દાવાઓ છતાં, વોશિંગ્ટન અથવા પેન્ટાગોન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે નિવેદન આવ્યું નથી. લશ્કરી નિષ્ણાતો આને 'માહિતી યુદ્ધ'ના ભાગરૂપે પણ જોઈ રહ્યા છે, જ્યાં બંને પક્ષો મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા માટે આવા દાવાઓ કરતા હોય છે. જોકે, સ્વતંત્ર સ્ત્રોતો દ્વારા આ ઘટનાની પુષ્ટિ થવી હજુ બાકી છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર આ સંઘર્ષ પર ટકેલી છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનો આ જંગ જો વધુ વકરશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે, પણ વૈશ્વિક તેલ પુરવઠા અને શાંતિ પર પણ તેની માઠી અસર પડશે.

આ પણ વાંચોઃ China : 84 વર્ષના દાદી પડ્યા AI યુવાનના પ્રેમમાં!વાંચો ચીનના વૃદ્ધાની આશ્ચર્યજનક પ્રેમકથા