ઈરાને અમેરિકા પાસેથી બદલો લેવાની તૈયારી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, આ વખતે સીધા યુદ્ધને બદલે અલગ પ્રકારના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાન અમેરિકાના ટોચના અધિકારીઓની હત્યા કરવા માટે રાસાયણિક હથિયારનો ઉપયોગ કરી શકે છે. આ હથિયારને 'ડર્ટી બોમ્બ' નામ આપવામાં આવ્યું છે. જોકે, તેહરાને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.

એક અહેવાલ અનુસાર, અમેરિકાની ગુપ્તચર માહિતીમાં સંકેત મળ્યા છે કે ઈરાન વોશિંગ્ટન DCમાં ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓને 'ડર્ટી બોમ્બ' અથવા રાસાયણિક હથિયારથી નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું હોઈ શકે છે. આ મામલે અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે.

આ અહેવાલો બાદ અમેરિકન સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

'ડર્ટી બોમ્બ'ના આરોપ પર ઈરાને શું કહ્યું?

અહેવાલો અનુસાર, ઈરાનની વર્તમાન યોજના તાત્કાલિક હુમલો કરવાની નથી, પરંતુ ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તેવા વિકલ્પો તૈયાર રાખવાની છે. જોકે, અમેરિકાને મળેલી ગુપ્ત માહિતી ચોક્કસ હોવાનું કહેવાય છે. તેમાં કેટલાક ખાસ સ્થળો અને લક્ષ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માહિતીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટેની યોજનાઓ પર ઝડપથી કામ શરૂ કર્યું છે.

વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા લોરેન બિસે જણાવ્યું હતું કે અમેરિકા તમામ સંભવિત જોખમો પર નજર રાખી રહ્યું છે, જોકે હાલમાં દેશ સામે કોઈ ચોક્કસ ખતરો નથી.

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને રાસાયણિક હથિયારો સાથે જોડાયેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ઈરાને આ આરોપોને ખોટા અને મનઘડંત ગણાવ્યા છે. જોકે, 'ડર્ટી બોમ્બ' સંબંધિત ગુપ્તચર માહિતી અંગે ઈરાને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

સ્કોટ બેસેન્ટએ પોતાનું ઘર બદલ્યું

અહેવાલ અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં અમેરિકાના અધિકારીઓએ આ સંભવિત જોખમનો સામનો કરવા માટે અનેક બેઠકો કરી હતી. આ દરમિયાન જોખમને પહોંચી વળવા માટેની વિવિધ યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ઈરાન તરફથી મળી રહેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને અમેરિકાની સિક્રેટ સર્વિસે ગયા અઠવાડિયે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને તેમના નિવાસસ્થાનેથી ખસેડીને સૈન્ય આવાસમાં શિફ્ટ કર્યા હતા.

આ પણ વાંચો : https://sandesh.com/d