મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત ભયાનક તબક્કામાં પ્રવેશી ગયો છે. ઈરાને શનિવારે વહેલી સવારે 4000 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી બેલિસ્ટિક મિસાઈલો છોડીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ પરીક્ષણ હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકન લશ્કરી બેઝ 'ડિએગો ગાર્સિયા' તરફ કરવામાં આવ્યું હતું, જેણે વોશિંગ્ટન અને તેલ અવીવની ઊંઘ હરામ કરી દીધી છે.


ઈરાની કમાન્ડરની ધમકી

ઈરાની સૈન્ય કમાન્ડર સૈયદ માજિદ મૌસાવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિજયી લહેજામાં જાહેરાત કરી કે, હવે ઈઝરાયલના આકાશ પર ઈરાની મિસાઈલોનું પ્રભુત્વ સ્થાપિત થઈ ચૂક્યું છે. તેમણે ચેતવણી આપી કે ઈરાન હવે એવી નવી યુક્તિઓ અને લોન્ચ સિસ્ટમ્સનો ઉપયોગ કરશે જે અમેરિકા અને ઈઝરાયલના સંરક્ષણ કમાન્ડરોએ ક્યારેય વિચારી પણ નહીં હોય. મૌસાવીના મતે, આગામી હુમલાઓ એટલા પ્રચંડ હશે કે ઈઝરાયલનો દક્ષિણ ભાગ કલાકો સુધી મિસાઈલોના પ્રકાશથી ઝળહળતો રહેશે.

IDF ની વૈશ્વિક ચેતવણી, લંડન અને પેરિસ પણ જોખમમાં

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ આ ઘટનાને ગંભીરતાથી લેતા વિશ્વના દેશોને સાવધ કર્યા છે. IDF એ જણાવ્યું કે, જૂન ૨૦૨૫માં જ તેમણે ખુલાસો કર્યો હતો કે ઈરાન ૪,૦૦૦ કિમીની રેન્જ ધરાવતી મિસાઈલો વિકસાવી રહ્યું છે, જોકે ત્યારે તેહરાને આ વાતનો ઈનકાર કર્યો હતો. હવે આ મિસાઈલો વાસ્તવિકતા બની ગઈ છે, જેનો અર્થ એ છે કે ઈરાન હવે માત્ર ઈઝરાયલ જ નહીં, પરંતુ લંડન, પેરિસ અને બર્લિન જેવા યુરોપિયન શહેરો પર પણ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન હવે માત્ર પ્રાદેશિક નહીં, પણ વૈશ્વિક આતંકવાદી ખતરો બની ગયું છે.

ઇઝરાયલ પીછેહઠ નહીં કરે

ઈરાનના આ તાકાત પ્રદર્શન વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કબૂલ્યું છે કે આ સમય તેમના ભવિષ્ય માટે અત્યંત કઠિન છે. તેમણે અરાદના મેયર સાથે વાત કરીને નાગરિકોની સુરક્ષાની ખાતરી આપી છે અને તમામ સરકારી મંત્રાલયોને કટોકટીની સ્થિતિ માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ દરેક મોરચે પોતાના દુશ્મનો પર પ્રહાર કરવાનું ચાલુ રાખશે અને કોઈ પણ કિંમતે પીછેહઠ કરશે નહીં.

આ પણ વાંચોઃ Trump નું ઈરાનને 'ડેડલાઈન' અલ્ટીમેટમ, 48 કલાકમાં strait of hormuz ખોલો નહીંતર પાવર પ્લાન્ટ્સ કરીશું તબાહ!

  • Follow us on: