વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સેવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અત્યંત ચેતવણીરૂપ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો અંધાનુકરણ પૂર્વક ઉપયોગ કરવો અને શોર્ટકટ અપનાવવો હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી પર ભારે પડી ગયો છે. આયર્લેન્ડમાં અભ્યાસ માટે વિદ્યાર્થી વિઝા અરજી કરતી વખતે ChatGPT જેવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને હેતુનું નિવેદન (SOP) અને અરજીઓ તૈયાર કરાવનારા ૬૪ ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ સો ટકા નકારી કાઢવામાં આવી છે.

3300 વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ કરાઇ રદ્દ

સત્તાવાર આંકડાઓ અનુસાર, ચાલુ વર્ષે આયર્લેન્ડની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરવા માટે કુલ 5100 ભારતીય વિદ્યાર્થીઓએ વિઝા માટે ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. પરંતુ જ્યારે આઇરિશ દૂતાવાસ અને વિઝા અધિકારીઓ દ્વારા તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે એક ગંભીર બાબત સામે આવી હતી. એક સરખી ભાષા અને પેટર્નને કારણે દૂતાવાસે કુલ 5100 માંથી આશરે 3300 વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી હતી.

વિદ્યાર્થીઓની ફાઈલોમાં એક સરખી શબ્દાવલી

વર્તમાન સમયમાં વિદેશી દૂતાવાસો પાસે અત્યાધુનિક AI ડિટેક્શન સોફ્ટવેર અને ખાસ સાધનો ઉપલબ્ધ છે, જેના દ્વારા લખાણ માનવરચિત છે કે કમ્પ્યુટર દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે તે ક્ષણવારમાં જાણી શકાય છે. જ્યારે હજારો વિદ્યાર્થીઓની ફાઈલોમાં એક સરખી શબ્દાવલી, કૃત્રિમ વાક્યરચના અને સમાન લેખન શૈલી જોવા મળી, ત્યારે વિઝા અધિકારીઓએ તેને ગંભીરતાથી લીધું હતું. દૂતાવાસના મતે, AI દ્વારા તૈયાર કરાયેલા નિવેદનોમાં વિદ્યાર્થીના વાસ્તવિક લક્ષ્યો, સાચી લાગણીઓ અને મૌલિકતાનો સંપૂર્ણ અભાવ હતો.

પોતાની ભાષામાં અને પ્રામાણિકતાથી લખવો જરૂરી

કોઈપણ દેશના વિદ્યાર્થી વિઝા મેળવવા માટે સબમિટ કરવામાં આવતું 'સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ' (SOP) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે. આ પત્ર દ્વારા વિદેશી સરકાર વિદ્યાર્થીની નાણાકીય સ્થિતિ, અભ્યાસ કરવાનો મુખ્ય હેતુ અને ભવિષ્યની યોજનાઓ સમજે છે. વિઝાના નિયમો મુજબ વિદ્યાર્થીએ આ દસ્તાવેજ પોતાની ભાષામાં અને પ્રામાણિકતાથી લખવો જરૂરી છે. ભારતીય વિદ્યાર્થીઓએ શોર્ટકટ અપનાવીને આખી અરજી AI પાસે તૈયાર કરાવી, જેને આઇરિશ દૂતાવાસે ગંભીર છેતરપિંડી અને ઔપચારિકતાના ઉલ્લંઘન તરીકે ગણાવીને કડક પગલાં લીધાં છે.

આ પણ વાંચોઃ Snowfall: ઉત્તર ભારતમાં શિયાળાની દસ્તક,કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા, બન્યો સ્વર્ગ જેવો માહોલ